કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં વાઘ માટે 1010.42 કરોડ અને સિંહ માટે 32 કરોડ રુપિયા આપ્યા

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા પ્રયોજિત વન્યપ્રાણી રહેણાક વિકાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ ટાઇગર માટે રુપિયા 1010.42 કરોડ અને એશિયાઇ સિંહો માટે રુપિયા 32 કરોડનું ફંડ આપ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી હતી.

  મંત્રીના નિવેદન પ્રમાણે કેન્દ્ર સરકારે એશિયાઇ સિંહોના સંરક્ષણ સહિત ગુજરાતમાં વન્યપ્રાણી રહેણાંક વિકાસ યોજના હેઠળ 2016-17, 2017-18 અને 2018-19ના વર્ષ માટે અનુક્રમે રુપિયા 4.98 કરોડ, રુપિયા 5.59 કરોડ અને રુપિયા 21.42 કરોડનું ભંડળ આપ્યું હતું. સમાન સમયગાળા માટે કેન્દ્ર સરકારે પ્રોજેક્ટ ટાઇગર હેઠળ રુપિયા 342.55 કરોડ, રુપિયા 345 કરોડ અને રુપિયા 323.17 કરોડનું ભંડોળ આપ્યું હતું.

  પરિમલ નથવાણી વન વિભાગ દ્વારા એશિયાઇ સિંહાના સંરક્ષણ માટે લેવામાં આવેલા પગલાં અને છેલ્લા ત્રણ વર્ષમાં એશિયાઇ સિંહોની સરખામણીએ વાઘ માટે ફાળવવામાં આવેલા બજેટ અંગે જાણવા માંગતા હતા.

  પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે સિંહોના સંવર્ધન માટે આપવામાં આવેલા ભંડોળના આંકડામાં ગુજરાત સરકારે આપેલા ભંડોળનો સમાવેશ થતો નથી. રાજ્ય સરકારે થોડા સમય પહેલા રાજ્યમાં સિંહોના સંવર્ધન માટેની લાંબાગાળાની પ્રવૃતિઓના અમલ માટે 350 કરોડ રુપિયાની મંજૂરી આપી હતી. પરંતુ કેન્દ્રએ એશિયાઇ સિંહોના સંવર્ધન માટે વધારે ભંડોળ ફાળવવાની જરુર છે કારણ કે તે માત્ર ગીર અને ગુજરાતમાં જ જોવા મળે છે, જ્યારે વાઘ ભારતના ઘણા રાજ્યોમાં અને એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે.

  પરિમલ નથવાણી દ્રારા પૂછવામાં આવેલા એક અન્ય પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લી ત્રણ વસ્તી ગણતરીમાં એશિયાઇ સિંહોની સંખ્યા વર્ષ 2005ના 359થી 45.68 ટકા વધીને વર્ષ 2015માં 523 થઈ હતી. જ્યારે વાઘની સંખ્યા છેલ્લી ત્રણ વસ્તી ગણતરીમાં વર્ષ 2010માં 1706માં 73.91 ટકાના વધારા સાથે વર્ષ 2018માં 2967 થઈ હતી.
  Published by:Ashish Goyal
  First published: