નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) દેશમાં કોરોનાના વધતા કેસો (Corona Cases in India) ને લઈને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. આમાં, રાજ્યોને કોરોના મહામારીને રોકવા માટે તમામ જરૂરી પગલાં સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આ અંગે માહિતી આપી હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના મહામારીને લગતી સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે રાજ્યોએ સતત સતર્ક રહીને કામ કરવાનું ચાલુ રાખવું પડશે. આમાં કોઈ ઢીલાશ ન હોવી જોઈએ. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું છે કે, જ્યાં સંક્રમણનો દર વધારે છે તે તમામ વિસ્તારોમાં પરીક્ષણ વધારવું જોઈએ. કારણ કે છેલ્લી વખતના ટેસ્ટમાં સારા પરિણામ મળ્યા હતા.
રાજ્યોએ પ્રતિ લાખ વસ્તી દીઠ દૈનિક કોવિડ-19 પરીક્ષણનું નિરીક્ષણ કરવું જોઈએ અને RT-PCR પરીક્ષણ વિશે માહિતી શેર કરવી જોઈએ. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગોની દેખરેખ પણ વધારવી જોઈએ.
કેન્દ્ર સરકાર દ્વારા લખવામાં આવેલા પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ વિદેશથી આવતા પ્રવાસીઓના જીનોમ સિક્વન્સિંગ પર ભાર મૂકવો જોઈએ. આ સિવાય કોવિડ-19 મહામારીના નિવારણ માટે બહેતર વ્યવસ્થાપન અને ઝડપી કાર્યની જરૂરિયાત જણાવવામાં આવી હતી.
કેન્દ્રએ રાજ્યોને 5 તબક્કાની વ્યૂહરચના અપનાવવા કહ્યું છે જેમ કે ટેસ્ટ, ટ્રૅક, ટ્રીટ, વેક્સીન અને કોવિડ અનુરૂપ વર્તન. આ માટે સરકારે રાજ્યોને પૂરતો સહકાર આપવાની વાત કરી હતી. તમને જણાવી દઈએ કે, ભારતમાં ગુરુવારે કોરોનાના 7240 કેસ નોંધાયા છે, જે પાછલા દિવસની સરખામણીમાં 40 ટકા વધુ છે. દેશના બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં સંક્રમણનો દર ઝડપથી વધી રહ્યો છે. કોરોના મહામારીની શરૂઆતથી જ મહારાષ્ટ્ર અને કેરળ દેશના બે મહત્વપૂર્ણ સંવેદનશીલ વિસ્તારો છે. જ્યાં કોવિડે ભારે નુકસાન કર્યું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર