Home /News /national-international /

CBSE પેપર લીક મામલે પોલીસ 25 લોકોની કરી પૂછપરછ, મોટા ભાગના સ્ટુડ્ન્ટ્સ

CBSE પેપર લીક મામલે પોલીસ 25 લોકોની કરી પૂછપરછ, મોટા ભાગના સ્ટુડ્ન્ટ્સ

    સીબીએસઈના ધોરણ-10 અને ધોરણ-12ના પેપર લીક મામલે દિલ્હી પોલીસની ખાસ ટીમે તપાસ શરૂ કરી છે. બોર્ડ દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે બંને લીક થયેલા પેપરની પરીક્ષા ફરીથી લેવામાં આવશે.  નોંધનીય છે કે ધોરણ-10નું ગણિતનું અને ધોરણ-12મું અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હતું. પોલીસે આ મામલે બુધવારે 25 જેટલા લોકોની પૂછપરછ કરી છે, જેમાંથી મોટા ભાગના સ્ટુડન્ટ્સનો સમાવેશ થાય છે.

    પેપર લીકની ઘટના સામે આવ્યા બાદ ક્રાઇમ બ્રાંચના વડા આરપી ઉપાધ્યાયના વડપણ હેઠળ એક ખાસ ટીમને આ અંગેની તપાસ સોંપવામાં આવી હતી. તપાસ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, 'અમને પેપર લીક મામલે એક વોટ્સએપનો સ્ક્રિન શોટ મળ્યો છે. જેમાં હાથથી લખીને પેપર લીક કરવામાં આવ્યું હતું. અમે આ મેસેજ કોના દ્વારા બધાને મોકલવામાં આવ્યો હતો તેની તપાસ કરી રહ્યા છીએ. વોટ્સએપ મેસેજ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હોવાથી અમને મેસેજના સોર્સ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.'

    સીબીએસઈનું પેપર લીક થયા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયાને કહ્યું હતું કે, '2-3 પેપર લીક થયાની માહિતી સામે આવી રહી છે. તેમણે સ્ટુડન્ટ્સ તેમજ તેમના વાલીઓને ખાતરી આપતા કહ્યું હતું કે બોર્ડ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે એવું કહ્યું હતું કે દિલ્હીમાં સ્થાનિક સ્તરે જ આ પેપર લીક થયું છે.'

    મંત્રીએ એવું પણ કહ્યું હતું કે લીક કરવામાં આવેલા પેપર પરીક્ષાના અડધા કલાક પહેલા જ લીક થયા હતા. જોકે, બીજી તરફ પોલીસ એવું માની રહી છે કે બંને પેપર પરીક્ષાના દિવસની આગલી રાત્રે લીક કરવામાં આવ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CBSE, Economics, Mathematics, Paper leak, Standard 10 and 12 examinations, પોલીસ

    આગામી સમાચાર