Home /News /national-international /

CBSE: પેપર લીક કેસમાં સામે આવ્યું દિલ્હીના કોચિંગ સંસ્થાનું નામ

CBSE: પેપર લીક કેસમાં સામે આવ્યું દિલ્હીના કોચિંગ સંસ્થાનું નામ

    સીબીએસઈ ધોરણ-10 અને ધોરણ-12ના પેપર લીક મામલે દિલ્હીની એક કોચિંગ સંસ્થાનું નામ સામે આવ્યું છે. આ કેસમાં સીબીએસઈએ દિલ્હી પોલીસને એક પત્ર લખ્યો છે. સીબીએસઈના રિઝનલ ડિરેક્ટર દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈએ તેમને 23 માર્ચના રોજ એક ફેક્સ કર્યો હતો. જેમાં પેપર લીક મામલે વિકી નામના એક વ્યક્તિની સંડોવણી હોવાની વાત લખવામાં આવી હતી. વિકી દિલ્હીના રાજેન્દ્ર નગરના સેક્ટર-8માં એક કોચિંગ સંસ્થા ચલાવે છે. ફરિયાદમાં બોર્ડને એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજેન્દ્ર નગરની બે સ્કૂલ પણ આ કેસમાં સામેલ છે.

    સીબીએસઈ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષાના દિવસે સરનામા વગરનો એક પત્ર ઓફિસમાં મળ્યો હતો. જેમાં ધોરણ-12ના અર્થશાસ્ત્રના પેપરના જવાબ હતા. જવાબ લખેલા પત્ર પરથી માલુમ પડ્યું હતું કે પેપર લીક થયું છે. વોટ્સએપ પર તેને ફેલાવવામાં આવ્યું હતું.

    બોર્ડે બુધવારે જાહેરાત કરી હતી કે ધોરણ-12નું અર્થશાસ્ત્ર અને ધોરણ-10નું ગણિતનું પેપર ફરીથી લેવામાં આવશે.

    25 લોકોની પૂછપરછ, અનેક જગ્યાએ દરોડા

    સીબીએસઈના ધોરણ-10 અને ધોરણ-12ના પેપર લીક મામલે દિલ્હી પોલીસની ખાસ ટીમે તપાસ શરૂ કરી છે. પોલીસની વિવિધ ટીમ આ સંદર્ભે અનેક જગ્યાએ દરોડા કરી રહી છે. પોલીસે આ મામલે બુધવારે 25 જેટલા લોકોની પૂછપરછ કરી છે, જેમાંથી મોટા ભાગના સ્ટુડન્ટ્સનો સમાવેશ થાય છે.

    પેપર લીકની ઘટના સામે આવ્યા બાદ ક્રાઇમ બ્રાંચના વડા આરપી ઉપાધ્યાયના વડપણ હેઠળ એક ખાસ ટીમને આ અંગેની તપાસ સોંપવામાં આવી હતી. તપાસ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, 'અમને
    પેપર લીક મામલે એક વોટ્સએપનો સ્ક્રિન શોટ મળ્યો છે. જેમાં હાથથી લખીને પેપર લીક કરવામાં આવ્યું હતું. અમે આ મેસેજ કોના દ્વારા બધાને મોકલવામાં આવ્યો હતો તેની તપાસ કરી રહ્યા છીએ. વોટ્સએપ મેસેજ એન્ડ ટૂ એન્ડ
    એન્ક્રિપ્ટેડ હોવાથી અમને મેસેજના સોર્સ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.'
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CBSE paper leak, Standard 10 and 12 examinations, દિલ્હી પોલીસ

    આગામી સમાચાર