Home /News /national-international /ઉન્નાવ રેપઃ પીડિતાએ કહ્યું, 'પહેલા આરોપી MLAની ધરપકડ તો કરો'

ઉન્નાવ રેપઃ પીડિતાએ કહ્યું, 'પહેલા આરોપી MLAની ધરપકડ તો કરો'

    ઉન્નાવ રેપ કેસમાં ઉત્તર પ્રદેશ ડીજીપીની પ્રેસ કોન્ફરન્સ પછી પીડિતાએ મીડિયા સામે નિવેદન આપ્યું છે. પીડિતાએ કહ્યું છે કે તેમના પિતાની હત્યા બાદ તેની સામે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ડીજીપી ઓપી સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરોપી ધારાસભ્યને 'માનનીય MLA' કહીને સંબોધન કરતા વિવાદ છેડાયો છે.

    પીડિતાએ કહ્યું, 'મને કેવી રીતે ન્યાય મળશે. સીબીઆઈ તપાસ બરાબર છે, પરંતુ પહેલા તપાસને પ્રભાવિત કરનાર ધારાસભ્યની ધરપકડ તો કરો. હવે મને મારા કાકાના જીવની ચિંતા થઈ રહી છે.'

    આ પહેલા ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ધારાસભ્યની ધરપકડને લઈને ઉત્તર પ્રદેશ પોલીસના વડા ઓપી સિંહે સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં તેની ધરપકડ નહીં કરવામાં આવે. તેની ધરપકડ પર કોઈ પણ નિર્ણય સીબીઆઈ કરશે. પ્રમુખ સચિવ અરવિંદ કુમાર અને ડીજીપીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પોલીસ કોઈને બચાવવાનો પ્રયાસ નથી કરી રહી.

    નોંધનીય છે કે બુધવારે સાંજે એસઆઈટીએ પોતાનો તપાસ રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં યોગી સરકારે કેસની તપાસ સીબીઆઈને સોંપવાની તેમજ ધારાસભ્ય સામે એફઆઈઆર કરવાનો આદેશ કર્યો હતો. જેના બાદમાં માખી પોલીસ મથકે તેની સામે આઈપીસીની કલમ 363, 366, 376, 506 અને પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

    શું છે કેસ?

    4 જૂન 2017ના રોજ માખી પોલીસ મથક વિસ્તારમાં આવતા ગામમાંથી 17 વર્ષની એક કિશોરીનું ગામના જ શુભમ અને તેનો સાથી અવધેશ તિવારી અપહરણ કરીને લઈ ગયો હતો. પીડિતાની માતાએ ફરિયાદ કરી હતી કે ધારાસભ્ય કુલદીપ સેંગરે પાડોશી મહિલાની મદદથી તેની પુત્રીને ઘરે બોલાવી તેના પર રેપ કર્યો હતો. પોલીસે એ વખતે ફરિયાદ નોંધી ન હતી.

    પોલીસ વડાએ આરોપીને માનનીય MLA કહીને કર્યું સંબોધન

    ઉત્તર પ્રદેશના પોલીસ વડા ઓપી સિંઘે રેપ કેસમાં સીબીઆઈ તપાસની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે તેમણે આરોપી ધારાસભ્ય કુલદીપ સિંઘને 'માનનીય એમએલએ' કહીને સંબોધ્યા હતા. આ અંગે રિપોટર્સે વિરોધ નોંધાવતા તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય દોષી જાહેર થયા નથી. આથી તેમને માનનીય તરીકે સંબોધન કરવું યોગ્ય છે.

    ચોથી વખત ધારાસભ્ય બન્યા છે સેંગર

    સેંગરે કોંગ્રેસના યૂથ વિંગથી પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. સેંગર પ્રથમ વખત 2002માં ઉન્નાવની સદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2007માં તેઓ સપાની ટિકિટ પરથી બાંગરમઉથી ધારાસભ્ય બન્યા હતા. 2012માં ભગવંતનગરની બેઠક પરથી સપાની ટિકિટ પર અને 2017માં બાંગરમઉ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા.
    First published:

    Tags: Kuldeep singh Sengar, Unnao Gangrape, Victim, મોત