પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની INX મીડિયા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સીબીઆઈએ સવારે આઠ વાગ્યે તેમની ધરપકડ કરી છે. સીબીઆઈએ ચેન્નાઈ એરપોર્ટથી કાર્તિ ચિદમ્બરની ધરપકડ કરી તેને કસ્ટડીમાં લીધા છે.
સીબીઆઈના જણાવ્યા પ્રમાણે આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસની તપાસમાં સહકાર ન આપવા બદલ કાર્તિની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના કહેવા પ્રમાણે કાર્તિને આઈએનએક્સ મીડિયા તરફથી રૂ. 10 લાખની લાંચ મળી હતી. મંગળવારે આ જ કેસમાં દિલ્હી કોર્ટે કાર્તિ ચિદમ્બરમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ ભાસ્કરમણને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
ગત વર્ષે 15 મેના રોજ કાર્તિ ચિદમ્બરમ અને આઈએનએક્સ મીડિયા પર ફેમા એક્ટ ભંગનો તેમજ નાણાકિય ગેરવહિવટનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈએ હવે કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરી છે. આ પહેલા જાન્યુઆરીમાં તેના અનેક ઠેકાણા પર સીબીઆઈએ દરોડા પાડ્યા હતા.
કાર્તિ ચિદમ્બરમ પર શું છે આરોપ?
આરોપ છે કે જેલમાં બંધ રહેલી ઇન્દ્રાણી અને પીટર મુખર્જીના આઈએનએક્સ મીડિયામાંથી કાર્તિનો કંટ્રોલ હતો તે કંપનીમાં ફંડ ટ્રાન્સફર થયું હતું. આ કેસમાં કાર્તિ ઉપરાંત અન્ય ચાર લોકોને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેમજ પીટર અને ઇન્દ્રાણી મુખરજીના આઈએનએક્સ મીડિયા અને કાર્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે કાર્તિએ તેના વગનો ઉપયોગ કરીને આઈએનએક્સ મીડિયાને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ અપ્રૂવલ (FIPB) અપાવવામાં મદદ કરી હતી. આ માટે તેને અમુક ચોક્કસ રકમ મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર