નવી દિલ્હી. પંજાબમાં (Punjab) ચાલી રહેલા રાજકીય કલેહની વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Amarinder Singh) કોંગ્રેસ (Congress) માટે નવું સંકટ ઊભું કરી દીધું છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેઓ બીજેપીમાં (BJP) નહીં જોડાય પરંતુ હવે કોંગ્રેસમાં પણ નહીં રહે. અમરિંદર સિંહે કહ્યું કે, હું બીજેપીમાં નહીં જોડાઉં, પરંતુ કોંગ્રેસમાં પણ નહીં રહું.
એક ઇન્ટરવ્યૂમાં કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, હજુ સુધી હું કોંગ્રેસમાં છું પરંતુ કોંગ્રેસમાં નહીં રહું. મારી સાથે આ પ્રકારનો વ્યવહાર નહોતો કરવો જોઇતો. અમરિંદર સિંહે નિર્ણય લીધો છે કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની વિરુદ્ધ પ્રચાર કરશે અને પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી દેશે. મળતી જાણકારી મુજબ, તેઓ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાના નિર્ણયની જાહેરાત કરશે. જોકે, હજુ સુધી તેમણે બીજેપીને લઈ પોતાના પત્તા ખોલ્યા નથી.
કોંગ્રેસ છોડવાના સંકેત આપ્યા બાદ કેપ્ટને ટ્વીટર બાયોથી કોંગ્રેસ હટાવી દીધું છે. તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસ છોડી રહ્યો છું પરંતુ પંજાબની સેવા કરતો રહીશ. અમરિંદર સિંહે ટ્વીટરના બાયોમાં હવે લખ્યું છે- પૂર્વ સૈનિક, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી, રાજ્યની સેવા કરતો રહીશ. કેપ્ટેને આ મહિને જ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ચરણજીત સિંહ ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
કેપ્ટન અમરિંદર સિંહે Twitter બાયોમાંથી કોંગ્રેસ હટાવી દીધું છે. (સ્ક્રીનશોટ)
NDTVને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કેપ્ટને કહ્યું કે, મે મહિનામાં થયેલા સર્વેમાં સ્પષ્ટ હતું કે કોંગ્રેસની લોકપ્રિયતા ઘટી રહી છે અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહના નિવેદન બાદ હવે અણસાર છે કે તેઓ નવી પાર્ટી બનાવી શકે છે. બીજી તરફ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો કેપ્ટન કોંગ્રસ છોડવાનો અંતિમ નિર્ણય લે છે તો જી-23 (G-23)ના નેતા, પંજાબ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને સાંસદ પણ તેમની સાથે જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કેપ્ટન અમરિંદર સિંહે આજે સવારે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (NSA Ajit Doval) સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સૂત્રો મુજબ, બંને વચ્ચે પંજાબની સરહદ પર સુરક્ષાની સ્થિતિ અને રાજ્યમાં રાજકીય સંકટ પર ચર્ચા થઈ હતી.
નોંધનીય છે કે, કેપ્ટન અમરિંદર સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત (Captain Amrinder Singh meets Amit Shah) બાદ પંજાબ સરકારના મંત્રી રાજ કુમાર વેરકાએ જણાવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી બીજેપીમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું કે કેપ્ટન અમરિંદર સિંહ પાર્ટીથી થોડા નારાજ છે પરંતુ તેમને મનાવી લેવામાં આવશે. વેરકાએ કહ્યું કે, જ્યાં સુધી ખેડૂતોના મુદ્દાઓ ઉકેલાશે નહીં ત્યાં સુધી કોઈ પણ નેતા બીજેપીમાં નહીં જાય, પંજાબના લોકો તેમને મંજૂર નહીં કરે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર