જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ હજુ પણ અનેક પ્રકારના પ્રતિબંધ લાગુ છે. તેને લઈને ત્યાંના લોકોને રોજેરોજના કામોમાં ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કાશ્મીરમાં ઇન્ટરનેટ અને ટેલીફોન કનેક્ટિવિટી પર લાગેલા પ્રતિબંધને લઈને સરકારનો બચાવ કર્યો છે. જયશંકરનું કહેવું છે કે આર્ટિકલ 370 હટ્યા બાદ કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે. આતંકવાદીઓનો તેમના આકાઓ સાથે સંપર્ક રોકવા માટે ઇન્ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી પર પ્રતિબંધ લગાવવો જરૂરી હતો.
વિદેશ મંત્રી એસ. જયશંકરે એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી. તેઓએ કહ્યું કે, કાશ્મીરીઓને પ્રભાવિત કર્યા વગર આતંકવાદીઓને પોતાના ચીફની સાથે સંપર્ક કરવાથી રોકવા શક્ય નથી. એ કેવી રીતે થઈ શકે કે માત્ર આતંકવાદીઓ અને તેમના આકાઓને કોમ્યુનિકેશન પર પ્રતિબંધ લગાવવમાં આવે અને બાકી કાશ્મીરીઓ માટે ઇન્ટરનેટની સુવિધા ચાલુ રહે. સ્પષ્ટપણે આવું ન થઈ શકે.
રશિયા, પોલેન્ડ અને હંગરીના પ્રવાસ દરમિયાન બ્રસેલ્સ પહોંચેલા વિદેશ મંત્રી જયશંકરે ત્યાંના અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કાશ્મીર મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો. તેઓએ કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન પોતાની જમીન પર આતંકવાદી પ્રવૃત્તિઓને નહીં રોકે, ત્યાં સુધી ભારત તેમની સાથે કોઈ વાત નહીં કરે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના કાશ્મીર મુદ્દે કેટલીક શરતોની સાથે વાતચીત પ્રસ્તાવને ઠુકરાવતા જયશંકરે કહ્યું કે, પાકિસ્તાન ખુલ્લી રીતે આતંકવાદીઓને પોતાની જમીન પર આશ્રય આપી રહ્યું છે. એવામાં ભારતની કોઈ પણ પ્રકારની વાતચીત ન કરી શકે.