કોરોના વાયરસ ઘણા લોકોના જીવન અને જીવનશૈલીમાં મોટા ફેરફાર કરી રહ્યો છે. આવું જ રઘુ સાથે થયું છે. કોરોના વાયરસ ફેલાયો તે પહેલાં રઘુ નેલમંગલામાં ઓટો ચાલક હતો. રઘુના ખભે 6 લોકોના પરિવારના પાલન પોષણની જવાબદારી હતી. પરિણામે તે જે મળે તે કામ કરવા તૈયાર થઈ ગયો. રઘુની બચત મૂડી પુરી થઈ ગઈ, પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો. આખી સ્થિતિનો ચિતાર આપતા રઘુએ ન્યૂઝ18ને જણાવ્યું કે, મેડિકલ બિલ ચૂકવવા માટે તેને જમીન ગિરવી રાખવી પડી. ત્યારે રઘુને તેના મિત્રએ ફોન કરીને એક નોકરી હોવાનું કહ્યું. આ નોકરી માટે લોકો તુરંત હા પાડી રહ્યા છે તેવું પણ ઉમેર્યું. જેથી, રઘુએ તેની વાત પૂરી થાય તે પહેલાં જ હા પાડી દીધી.
રઘુએ બસના ભાડા માટે પાડોશી પાસેથી પૈસા ઉધાર લીધા અને બેંગલુરુ માટે નીકળી પડ્યો. બેંગલુરુ પહોંચ્યા બાદ ખબર પડી કે નોકરી સ્મશાનમાં હતી. રઘુએ કહ્યું કે, મારે કોવિડના કારણે મોતને ભેટેલા લોકોના મૃતદેહના અગ્નિસંસ્કાર માટે સેવા આપવાની હતી. થોડીવાર તો હું ચોંકી ગયો, પણ મેં હકારમાં માથું ધુણાવી તરત કામ શરૂ કરી દીધું. સ્મશાનમાં નોકરી મેળવનાર અન્ય લોકોના સંજોગો પણ રઘુ જેવા જ હતા.
રઘુ જેવો જ અન્ય કર્મચારી થીમન્ના કહે છે કે, " અહીં પૈસા સારા મળે છે. પરંતુ દિવસના અંત સુધી જે શારીરિક અને માનસિક આઘાત સહન કરીએ છીએ તે વર્ણવી શકાય તેમ નથી. ખૂબ કામ કર્યા પછી પણ સૂઈ શકતા નથી. પરિવારના સભ્યોની ચીસો અમારા મગજમાં ફરતી રહે છે.
નોંધનીય છે કે, કોરોનાથી મોત કાબુ બહાર જતા અંતિમ સંસ્કાર કરવા માટે બીબીએમપીએ તાત્કાલિક ધોરણે વધારાના લોકોની ભરતી કરી હતી. આ લોકોને બર્નિંગ પાયર પર સેટ કરવું, તે વિસ્તારનું નિરીક્ષણ કરવું અને ત્યાર બાદની બોડી માટે કામ કરવા સહિતના કામ સોંપવામાં આવ્યા હતા.
અહીંના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, તેમને મૃતદેહ દીઠ રૂ. 2000 ચૂકવવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિના કારણે દરેક વ્યક્તિ ઓવરટાઇમ કામ કરે છે. રઘુનું કહેવું છે કે, અહીં તંત્ર દ્વારા જમવાની અને રહેવાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. તેથી અમે જે આવક રળિયે તે તમામ બચાવીએ છીએ.
અલબત્ત, અહીં કામ કરનારા લોકો પોતાના પરિવારજનો કે ગામના લોકોને પોતાની નોકરી અંગે જણાવી શકતા નથી. રઘુએ આ મામલે કહ્યું કે, હું અહીંયા બે મહિનાથી કામ કરું છું અને મારી માતાને મેં ખોટું કહ્યું છે કે હું બેંગલુરુમાં ટ્રક ડ્રાઈવર છું. જ્યારે થીમન્નાએ તેના ઘરે શાકભાજીની બજારમાં મજૂરી કરતો હોવાનું કહ્યું છે. આવી નોકરી પ્રત્યે લોકોને સૂગ હોવાના કારણે ગામમાં બહિષ્કાર થશે અથવા પ્રતિબંધ મૂકી દેવાશે તેવો ડર હોય છે. પરિણામે તેઓ પોતાની સાચી નોકરી અંગે ઘરે ખુલાસો કરી શકતા નથી.
તેઓ બેંગલુરુમાં કામ કરતા હોવાથી ગ્રામજનોએ તેમને જ્યાં સુધી કોરોનાના કેસ ઓછા ન થઈ જાય ત્યાં સુધી ઘરે ન આવવા કહ્યું છે. આ દરમિયાન એક કર્મચારીએ ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, જો ગ્રામજનોને ખબર પડી જાય કે અમે અહીં શું કામ કરીએ છીએ તો અમારા પરિવારનો ગામમાં બહિષ્કાર થાય. અમે અહીંયા જે પૈસા કમાઈએ છીએ તે ગામડે પરિવારોના ભરણપોષણ માટે છે. તેનાથી કરજો ચૂકવવામાં પણ મદદ મળી રહી છે. અમે આ કામના આભારી છીએ, પણ તેના માટે અમારા પરિવારના જીવ જોખમમાં ના મૂકી શકીએ. આવા સમયે પીપીઈ કીટ તેમના માટે વરદાન સમાન સાબિત થઈ છે. આ મામલે તેમણે જણાવ્યું કે, સૌથી પહેલા તે અમને સંક્રમણથી બચાવે છે. આ સાથે જ પીપીઈ કીટના સ્તર તેમની ઓળખાણ પણ છતી થવા દેતા નથી. એક વાર તેને ઓળખતો વ્યક્તિ તેના મિત્રના મૃતદેહ સાથે આવ્યો હતો. જોકે તેઓ ઓળખી શક્યા નહોતા.
અહીં ગોપનીયતા માટે લોકોના નામ બદલી નાખવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર