યુઝર્સ ડેટા લીક મામે અમેરિકન કોંગ્રેસ સામે હાજર રહેલા ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગનો પ્રથમ દિવસ આરામથી પસાર થયો હતો. જોકે, બીજો દિવસ ઝકરબર્ગ માટે ખૂબ જ મુશ્કેલીભર્યો રહ્યો હતો. અમેરિકન સેનેટર્સે ઝકરબર્ગને અનેક સવાલ પૂછીને નિશાન સાધ્યું હતું. બુધવારે પણ ઝકરબર્ગ કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા સ્કેન્ડલમાં સુનાવણી માટે હાઉસ એનર્જી અને કોમર્સ કમિટિ સમક્ષ હાજર રહ્યા હતા. અહીં તેમણે ફરીથી માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, 'અમે અમારી જવાબદારી બહુ સારી રીતે નિભાવી ન હતી. અમે મોટી ભૂલ કરી છે.' બીજી સુનાવણી દરમિયાન 55 કમિટિ મેમ્બર્સ સામેલ થયા છે. તેમજ દરેકને સવાલ પૂછવા માટે 4 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. અહીં ઝકરબર્ગે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું હતું કે તેમનો વ્યક્તિગત ડેટા પણ ચોરાયો હતો.
મારા વ્યક્તિગત ડેટામાં પણ ઘૂસણખોરી
ફેસબુકના સ્થાપક ઝકરબર્ગે બુધવારે ખુલાસો કરતા કહ્યું કે, ઇલેક્શન પર રિચર્સ કરતી કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ જે યુઝર્સને ડેટા મેળવ્યો હતો તેમાં મારો પર્સનલ ડેટા પણ સામેલ છે. એટલે કે માર્ક ઝકરબર્ગના વ્યક્તિગત ડેટા0ને પણ કેમ્બ્રિજ એનાલિટિકા સાથે શેર કરવામાં આવ્યો હતો. ઝકરબર્ગે આ વાતનો ખુલાસો ત્યારે કર્યો જ્યારે પ્રતિનિધિ એન્ના ઈશૂએ પૂછ્યું કે થર્ડ પાર્ટીને જે ડેટા વેચવામાં આવ્યો છે તેમાં શું તેનો પર્સનલ ડેટા પણ સામેલ છે? ઝકરબર્ગે આ સવાલનો જવાબ હકારમાં આપ્યો હતો. તેણે કહ્યું હતું કે તેના ડેટાના પણ શેર કરવામાં આવ્યો હતો.
ઝકરબર્ગે આપ્યો ગોળ ગોળ જવાબ
ન્યૂઝર્સીના ડેમોક્રેટ ફ્રેંક પોને જ્યારે તેના સવાલનો જવાબ હા અને નામાં જ આપવાનું કહ્યું ત્યારે ઝકરબર્ગની મુશ્કેલી વધી ગઈ હતી. પલોને સવાલ કર્યો હતો કે શું ફેસબુક ડેટા કલેક્શનને ઓછું કરવા માટે પોતાના ડિફોલ્ટ સેટિંગ્સમાં પરિવર્તન કરવા માટે પ્રતિબદ્ધ છે? ઝકરબર્ગે આ સવાલનો જવાબ ગોળ ગોળ આપ્યો હતો. ઝકરબર્ગે કહ્યું કે, 'આ ખરેખર ઝટિલ મુદ્દો છે, આનો જવાબ આપવા માટે એકથી વધારે શબ્દોની જરૂરિયાત છે.' પેલોને ઝકરબર્ગના જવાબ પર નિરાશા વ્યક્ત કરી હતી.
પ્રતિનિધિ કૈથી કૈસ્ટરે ઝકરબર્ગને ઘેરતો એક સવાલ કર્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે શું યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડી દે છે ત્યાર બાદ પણ ફેસબુક તેને ટ્રેક કરે છે, અને આને કેવી રીતે કરવામાં આવે છે? પ્રતિનિધિ બેન લુજાને ઝકરબર્ગને એવું સ્વીકારવા મજબૂર કર્યો કે અમુક લોકો સુરક્ષાને કારણે ફેસબુક સાથે નથી જોડાઈ રહ્યા, આ લોકોમાંથી પણ અમુક લોકોનો ડેટા ફેસબુક મેળવી રહ્યું છે.