નવી દિલ્હી: દલિતોએ અઠવાડિયા પહેલા આપેલા ભારત બંધની સામે સવર્ણોએ મંગળવારે ભારતબંધનું એલાન આપ્યું હતું. આ ભારતબંધ દરમિયાન બિહારમાં અનામત વિરોધી લોકોએ રાજયકક્ષાના કેન્દ્રિય માનવ સંશાધન મંત્રી ઉપેન્દ્ર કુસવાહાને ધક્કે ચડાવ્યા હતા. આ ઘટના બિહારના હાજીપુરમાં બની હતી. કુસવાહા ચંપારણ તરફ જઇ રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. કુસવાહા અન્ય પછાત વર્ગમાંથી આવે છે અને રાષ્ટ્રિય લોક સમતા પાર્ટીના પ્રમુખ છે. આ પાર્ટી ભાજપનો સાથી પક્ષ છે.
બિહારમાં હજુ કોમી તોફાનોની આગ બુઝાણી નથી ત્યાં અનામત વિરોધી તત્વોએ રાજયને ફરી બાનમાં લીધું છે. મુઝફરપુર, બેગાસરાઇ, લખીસરાઇ અને આરાહ જેવા વિસ્તારો અનામત તરફથી અને વિરોધી સમુદારો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે અને આ વિસ્તારો સૌથી વધારે અસરગ્રસ્ત છે. મુઝફરપુરમાં તો, ઉગ્ર ટોળાઓએ એએસપી અને ડી.એસ.પી સહિતના પોલીસ કાફલાનો પીછો કરી ભગાડી મૂક્યા હતા. આરાહ વિસ્તારમાં પ્રદર્શનકારીઓ એ ટ્રેન અટકાવી દીધી હતી.
અફવાઓ ન ફેલાય તે માટે, ભીમ આર્મીના મુખ્ય મથક એવા ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ઇન્ટરનેટ સેવાઓ બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લાઓમાં પણ ઇન્ટરનેટ સેવા રદ કરી દેવામાં આવી હતી.
આ અગાઉ, 2 એપ્રિલના રોજ સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટ મામલે કરેલી ટીપ્પણીના વિરોધમાં દલિતોએ સમગ્ર દેશમાં બંધનું એલાન આપ્યુ હતું અને આ ભારત બંધ દરમિયાન 11 લોકોના મોત થયા હતા. આ પછી ઉત્તર પ્રદેશના ભાજપના જ ચાર સંસદ સભ્યોએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને ફરીયાદ કરી હતી કે, પોલીસ ખોટી રીતે દલિતોને પરેશાન કરે છે. ભીમ આર્મીના વડા ચંન્દ્રશેખ આઝાદ રાવણે સહારનપુર જેલમાં જ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર