નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં આખરે મંત્રીમંડળ વિસ્તારની તારીખ અને સમય ફાઈનલ થઈ ગયા છે. રવિવારે એટલે કે, આજે 8 જાન્યુઆરીએ સવારે 10 કલાકે શપથગ્રહણ સમારંભ યોજાશે. તેમાં લગભગ 7 ધારાસભ્ય મંત્રી પદના શપથ લેશે. હિમાચલ પ્રદેશના રાજભવનમાં એક સાદા સમારંભમાં કેબિનેટ મંત્રી શપથ લેશે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તારને લઈને ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી હતી. જો કે, નામને લઈને ફાઈનલ મહોર લાગવામાં ઘણી વાર લાગી હતી.
આ અગાઉ હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુક્ખૂનું નિવેદન આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મંત્રી પરિષદને લઈને સંભવિતોની યાદી કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલવામાં આવી છે. ત્યાંથી મંજૂરી મળતા જ શપથગ્રહણનો કાર્યક્રમો નક્કી કરી દેવામં આવ્યો છે. સુક્ખૂ શનિવારે દિલ્હીથી પરત ફર્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સુક્ખૂએ કહ્યું હતું કે, મંત્રીમંડળનો વિસ્તાર રવિવાર અથવા બાદમાં હોઈ શકે છે. તેમણે આ મુદ્દા પર પાર્ટીના ટોચના નેતા સાથે પણ ચર્ચા કરી છે.
સુક્ખૂનું કહેવું હતું કે, યાદી હાઈકમાન્ડને સોંપી દેવામાં આવી છે અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે દ્વારા યાદીને મંજૂરી આપ્યા બાદ જ મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવશે. જો મંત્રીમંડળનો વિસ્તાર રવિવારે નહીં થાય તો, પછી 12 જાન્યુઆરી બાદ થશે. કારણ કે, રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર રવિવારે ગોવા માટે રવાના થવાના છે.
હિમાચલમાં મંત્રી પરિષદમાં 10 ધારાસભ્યોને મંત્રી બનાવી શકે છે. કારણ કે અહીં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા 12થી વધારે બની શકે નહીં. આપને જણાવી દઈએ કે, હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જીત હાંસલ કરી હતી અને સુખવિંદર સિંહ સૂક્ખૂને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેમની સાથે ડેપ્યુટી સીએમની જવાબદારી મુકેશ અગ્નિહોત્રીને આપી હતી. હવે એક મહિના બાદ કોંગ્રેસ સરકારમાં મંત્રીમંડળનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. કેટલાય દિવસથી નવા મંત્રીઓને લઈને અટકળો વહેતી થઈ હતી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર