બુલી બાઈ એપ કેસ સંદર્ભે 21 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. (પ્રતીકાત્મક તસવીર)
Bulli Bai App Case: ‘બુલી બાઈ’ એપ પર મુસ્લિમ મહિલાઓના ફોટો હરાજી માટે નાખવામાં આવ્યા હતા જેમાં કેટલાક પ્રતિષ્ઠિત નામો પણ સામેલ છે. આ કેસ સંદર્ભે એક 21 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈ. મુંબઈ પોલીસે સોમવારે કહ્યું કે મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ બનાવનારી ‘બુલી બાઈ’ એપ કેસ (Bulli Bai App Case)માં બેંગલોરથી એક 21 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ એપ પર મુસ્લિમ મહિલાઓના ફોટો હરાજી માટે નાખવામાં આવ્યા હતા જેમાં કેટલાક પ્રતિષ્ઠિત નામો પણ સામેલ છે. સમાચાર એજન્સી એએનઆઈના એક ઇનપુટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે શંકાસ્પદની ઓળખનો ખુલાસો નથી કર્યો, જે બેંગલોરમાં સિવિલ એન્જીનિયરીંગના બીજા વર્ષનો વિદ્યાર્થી છે. અજાણ્યા અપરાધીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસે વિવાદાસ્પદ મોબાઈલ એપ ‘બુલી બાઈ’ બનાવનારા અંગે ગિટહબ પ્લેટફોર્મ પાસે અને એપ વિશે સૌથી પહેલી પોસ્ટ કરનારા વ્યક્તિ વિશે ટ્વિટર પાસે જાણકારી માગી છે. અધિકારીઓએ કહ્યું કે દિલ્હી પોલિસે ટ્વિટરને ‘બુલી બાઈ એપ’ સંબંધિત કોઇપણ ‘વાંધાજનક કન્ટેન્ટ’ તેના પ્લેટફોર્મ પરથી હટાવવાનું કહ્યું છે.
આ દરમ્યાન, મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી (શહેરી) સતેજ પાટિલે કહ્યું કે હાલ વધુ માહિતી નહીં આપી શકાય કારણકે તેનાથી તપાસમાં અડચણ આવી શકે છે. ‘હું તમામ પીડિતોને ખાતરી આપવા માંગુ છું કે અમે ગુનેગારોનો સતત પીછો કરી રહ્યા છીએ અને તેઓ જલ્દી કાનૂનનો સામનો કરશે.’
એપ અપલોડ કરનાર યુઝરને બ્લોક કરવામાં આવ્યો
એપ બનાવવામાં સામેલ લોકો સામે કાર્યવાહીની વધતી માંગ અને આક્રોશને પગલે માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે જણાવ્યું હતું કે, સરકાર દિલ્હી અને મુંબઈમાં પોલીસ સાથે કામ કરી રહી છે જ્યાં આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યા છે. તો GitHubએ એપ અપલોડ કરનાર યુઝરને બ્લોક કરી દીધો છે અને સાયબર સિક્યુરિટી પર દેશની નોડલ એજન્સી 'કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ' (CERT) અને પોલીસ આગળની કાર્યવાહી અંગે સંયુક્ત રીતે વિચાર-વિમર્શ કરી રહી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે પણ દિલ્હી પોલિસને પત્ર લખીને એપ સંબંધિત કેસમાં કાર્યવાહી ઝડપી કરવાનું કહ્યું હતું જેથી આવા અપરાધ ફરી ન થાય. દિલ્હી પોલીસે આ અંગે ટ્વિટરને પત્ર લખીને અકાઉન્ટ હેન્ડલ વિશે જાણકારી માગી છે જેણે સૌથી પહેલા ‘બુલી બાઈ’ એપ વિશે ટ્વિટ કરી હતી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર