વીડિયો મેસજ જાહેર કરી બોલ્યો બુલંદશહર હિંસાનો મુખ્ય આરોપી- ઘટનાસ્થળે હતો જ નહીં
યોગેશ રાજે વીડિયોમાં કહ્યું કે તે ઘટનાસ્થળે હતો જ નહીં.
વીડિયોમાં યોગેશ રાજ કહી રહ્યો છે કે બુલંદશહરના સ્યાનામાં થયેલી ગોહત્યા મામલામાં પોલીસ તેને એ રીતે રજૂ કરી રહી છે જેમ કે તેનો બહુ મોટો અપરાધિક ઈતિહાસ હોય
બુલંદશહર હિંસા મામલામાં યૂપી પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ મુખ્ય આરોપી બજરંગ દળનો જિલ્લા સંયોજક યોગેશ રાજ ઘટનાના 48 કલાક બાદ પણ ફરાર છે. યોગેશ રાજ પર પોલીસે મૌન સાધી લીધું છે, બીજી તરફ વિપક્ષ સરકાર પર હુમલાઓ કરી રહી છે. આ દરમિયાન બુધવારે યોગેશ રાજનો એક વીડિયો વોટ્સએપ પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યોગેશ રાજ પોતાને નિર્દોષ જણાવી રહ્યો છે.
વીડિયોમાં યોગેશ રાજ કહે છે કે બુલંદશહરના સ્યાનામાં થયેલા ગોહત્યા મામલામાં પોલીસ તેને એવી રીતે રજૂ કરી રહી છે જેને તેનો કોઈ બહુ મોટો અપરાધિક ઈતિહાસ હોય. હું એ જણાવવા માંગું છું કે તે દિવસે બે ઘટનાઓ બની હતી. પહેલી ઘટના સ્યાનાની નજીકના એક ગામ મહાવમાં ગોહત્યાને લઈને થઈ હતી. જેની જાણ થતાં હું મારા સાથીઓની સાથે ત્યાં પહોંચ્યો હતો. વહીવટીતંત્રના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. મામલાને શાંત કર્યા બાદ અમે તમામ લોકો સ્યાના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવા આવી ગયા હતા.
યોગેશ રાજ આગળ કહે છે કે પોલીસ સ્ટેશનમાં બેઠા હતા ત્યારે જાણકારી મળી કે ગામ લોકોએ પથ્થરમારો કરી દીધો છે. આ દરમિયાન ત્યાં ફાયરિંગ થયું છે, જેમાં એક યુવકને ગોળી વાગી છે. અને એક પોલીસવાળાને પણ ગોળી વાગી છે. યોગેશ પૂછે છે કે જ્યારે અમારી માંગ પર ફરિયાદ સ્યાના પોલીસ સ્ટેશનમાં લખવામાં આવી રહ્યો હતો, ત્યારે બજરંગ દળ આંદોલન કેમ કરે. યોગેશે આગળ કહ્યું કે તે બીજી ઘટનામાં ઘટનાસ્થળે નહોતો. તેનો બીજી ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી. ઈશ્વર મને ન્યાય અપાવે, મને ભગવાન પર પૂરો વિશ્વાસ છે.
ઉલ્લેખનીય છે કે, યોગેશ રાજે જ સોમવારે ગોહત્યાની એક એફઆઈઆર નોંધાવી હતી. પરંતુ ઘટના બાદથી તે ફરાર થઈ ગયો છે. એડીજી લો એન્ડ ઓર્ડર આનંદ કુમાર પણ મંગળવારે કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં યોગેશ રાજનું નામ લેવાથી બચતા નજરે ચડ્યા હતા. જ્યારે ફરિયાદમાં ત્રણ વાર યોગેશ રાજનું નામ લખ્યું છે. વાઇરલ વીડિયોમાં પણ યોગેશ રાજ મૃતક ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહ સાથે બોલાચાલી કરતો નજરે પડે છે. એડીજીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કોઈ સંગઠનનું નામ નથી લીધું.