લોસ એન્જલસઃ કેલિફોર્નિયા ખાતે આવેલા ફેસબુક કેમ્પસની એક બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બિલ્ડિંગમાં બોમ્બ હોવાની ધમકી બાદ તેને ખાલી કરાવવામાં આવ્યું છે.
મેનલો પાર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે ધ સેન સેટેઓ બોમ્બ યુનિટ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી મંગળવારે પાંચ વાગ્યા પછી ઝેફરસન ડ્રાઇવ તરફ ન જવાની લોકોને ચેતવણી આપી હતી. ફેસબુક તરફથી કહેવામાં આવ્યું છે કે અમારી અમુક બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવી છે. હાલ અમારા તમામ કર્મચારીઓ સુરક્ષિત છે.
મંગળવારે સાંજે પાંચ વાગ્યે બોમ્બની ધમકી મળી હતી. મળતી માહિતી પ્રમાણે ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના ક્રાઇમ સ્ટોપર્સ યુનિટને ધમકી આપવામાં આવી હતી. જે બાદમાં સ્થાનિક અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ફેસબુક કેમ્પસની બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી.
પોલીસે ઝેફરસન ડ્રાઇવ એરિયામાંથી લોકોને દૂર ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે ઝેફરસન ડ્રાઇવ ફેસબુકની સાથે સાથે ઇન્ટ્રાગ્રામની પણ ઓફિસ છે.