ખેમકરન : પંજાબ (Punjab)માં બીએસએફ (Border Security Force) તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બીએસએફના જવાનોએ પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા પાંચ પાકિસ્તાનીને ઠાર કરી દીધા છે. આ તમામ વ્યક્તિઓ પાસેથી અસૉલ્ટ રાઇફલ પણ મળી આવી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બી.એસ.એફ તરફથી સર્ચ ઑપરેશન (Search Operation) શરૂ કરી દેવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે BSFના જવાનોને શનિવારે સવારે તરન તારનના ખેમકરનમાં અમુક શકમંદ લોકો બોર્ડર પાર કરતા નજરે પડ્યા હતા. બીએસએફના જવાનોએ તેમને ત્યાં જ ઊભા રહેવાનો આદેશ કર્યો હતો. જોકે, ઘૂસણખોરોએ બીએસએફના જવાનો પર ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં બીએસએફના જવાનોએ ફાયરિંગ કર્યું હતું, આ ફાયરિંગમાં પાંચ ઘૂસણખોરો માર્યા ગયા છે. નોંધનીય છે કે ખેમકરન પંજાબના તરન તારન જિલ્લામાં આવે છે, અને બોર્ડરથી ખૂબ જ નજીક છે. માર્યા ગયેલા તમામ ઘૂસણખોરો પાસેથી અસૉલ્ટ રાઇફલ મળી આવી છે.
નોંધનીય છે કે કાશ્મીરમાં ભારતીય સુરક્ષા જવાનો જે રીતે આતંકવાદીઓનો સફાયો કરી રહ્યા છે તેનાથી પાકિસ્તાન રઘવાયું થયું છે. પાકિસ્તાન ભારત સાથે જોડાયેલી સરહદ પરથી સતત આતંકીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરે છે. જોકે, સેના અલર્ટ પર હોવાથી તેમની આ યોજના નિષ્ફળ રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર