ખબર નહોતી કે PMના એક ચહેરા પાછળ બીજો ચહેરો છૂપાયેલો હતો : વિજેન્દર સિંઘ

પીએમ મોદી, વિજેન્દર સિંઘ (ફાઇલ તસવીર)

દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક માટે કોંગ્રેસ તરફથી બોક્સર વિજેન્દર સિંઘની પસંદગી કરવામાં આવી છે.

 • Share this:
  નવી દિલ્હી : બોક્સર વિજેન્દર સિંઘ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા તમે સોશિયલ મીડિયા પર જોઈ જ હશે. બંનેએ અનેક વખત એક બીજાના વખાણ કે અભિનંદન આપતા ટ્વિટ્સ કર્યા છે. 2016માં વિજેન્દરે જ્યારે પ્રથમ પ્રોફેસનલ મેડલ જીત્યો ત્યારે પીએમ મોદીએ તેને અભિનંદન પાઠવ્યા હતા. વિજેન્દરે ફેસબુક પર વડાપ્રધાન મોદી સાથેની તસવીર પણ શેર કરી હતી. પરંતુ 2019માં આ ચિત્ર પલટાયું છે. હવે વિજેન્દર સિંઘ કોંગ્રેસનો ઉમેદવાર બની ગયો છે, હવે તેનું કહેવું છે કે વડાપ્રધાન મોદી અનેક વખત લોકોને ખોટું બોલ્યા છે.

  એનડીટીવી સાથે વાતચીત કરતા વિજેન્દર સિંઘે જણાવ્યું કે, "જ્યાર તમે કોઈના વખાણ કરો છો ત્યારે તમે તેના ચહેરા પાછળ શું છૂપાયેલું છે તે જાણી નથી શકતા. 2014માં બીજેપીને સૌથી મોટી જીત થઈ હતી. મારી પાસે હજી પણ એ યુ-ટ્યૂબ વીડિયો છે. જેમાં મોદીએ કહ્યું હતું કે દરેકના ખાતામાં 15-20 લાખ તો એમ જ આવી જશે. આ જૂઠ હતું. લોકો, અને ખાસ કરીને ગરીબોએ તેમની આ વાત માની લીધી હતી."

  નોંધનીય છે કે 2014માં નરેન્દ્ર મોદીએ અનેક ચૂંટણી રેલી સંબોધી હતી, જેમાં તેમણે કાળું નાણું પરત લાવવાનું વચન આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે જો આવું થઈ શકે તો દરેકના ખાતામાં 15 લાખ જમા થઈ શકે એટલી રકમ દેશમાં પરત આવશે. આ સંદર્ભે બોક્સર વિજેન્દર સિંઘે જણાવ્યું કે, મોદીએ પોતાનું વચન પાળ્યું નથી.

  આ પણ વાંચો : PM મોદીએ અમદાવાદમાં નથી કર્યો આચાર સંહિતાનો ભંગ, ECએ આપી ક્લિનચીટ

  ઉલ્લેખનીય છે કે દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક માટે કોંગ્રેસ તરફથી બોક્સર વિજેન્દર સિંઘની પસંદગી કરવામાં આવી છે. પહેલા એવા અહેવાલ વહેતા થયા હતા કે કોંગ્રેસ આ બેઠક માટે 1984 સીખ વિરોધી તોફાનોના આરોપી સજ્જન કુમાર સિંઘના ભાઈને ટિકિટ આપવાનું વિચારી રહી છે.

  કોંગ્રેસ સાથે જોડાવવા અંગે વિજેન્દર સિંઘે જણાવ્યું કે, "મારું સપનું અને મારા વિચારો કોંગ્રેસ સાથે મળતા આવે છે. તેમની પાસે વિઝન છે, તેમની પાસે આયોજન છે, તેમણે લોકોને શિક્ષિત કર્યા છે, તેમની પાસે સારા નેતાઓ છે, તેઓ ભવિષ્યની વાત કરે છે, તેઓ સારી વસ્તુઓ અંગે વાત કરે છે."

  નોંધનીય છે કે સોમવારે કોંગ્રેસ દિલ્હી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં દિલ્હીમાં ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી રહેલા શિલા દિક્ષિતના નામનો સમાવેશ થાય છે. પૂર્વ દિલ્હીમાંથી અરવિન્દર સિંઘ લવલી, ચાંદની ચોકમાંથી જેપી અગ્રવાલ, ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાંથી રાજેશ લીલોથીયા અને પશ્ચિમ દિલ્હીમાંથી મહાબલ મિશ્રાના નામની જાહેરાત કરવામાં આવી છે. નવી દિલ્હીમાં 12મી મેના રોજ મતદાન યોજાશે.
  Published by:Vinod Zankhaliya
  First published: