નવી દિલ્હી : દિલ્હીના (Delhi) ગાઝીપુર ફૂલ મંડીના ગેટ નંબર 2ની બહાર લાવારિસ બેગ મળી આવતા (Bomb In Delhi) ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, સવારે 10.20 વાગ્યે પીસીઆર કોલ દ્વારા બેગ મળવાની માહિતી મળી હતી. જે બાદ પોલીસ, એનએસજીની ટીમ તેમજ બોમ્બ સ્કવોડ અને ફાયર એન્જિન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બેગ ખોલતા અંદરથી બોમ્બ મળી આવ્યો હતો. જેને પહેલા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા બહાર જ ડિફ્યુઝ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં તેને ખાડામાં નાંખીને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.
બોમ્બ ડિફ્યુઝ થવાની સાથે ખાડામાં ફૂટ્યો. દિલ્હી પોલીસના એડિશનલ ડીસીપી વિનીત કુમારે જણાવ્યું હતું કે, લાવારિસ બેગમાં બોમ્બ હોવાની માહિતી મળતાં જ પોલીસ અને NSGની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂલ માર્કેટ પણ ખાલી કરાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને કોઈને પણ સર્કલની અંદર જવા દેવામાં આવતા નથી.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે પહેલા બોમ્બને બહાર ડિફ્યુઝ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેને રોબોટિક કન્ટેનરમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં કોઈપણ પ્રકારનું જોખમ ન લેતા તેને એક ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો.
ઘટનાસ્થળની તસવીર
જ્યાં જોરથી ધડાકા સાથે બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.
બેગ મળતાની સાથે પોલીસ હવે આજુબાજુના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ બેગ અહીં કોણે મુકી છે. પોલીસને કેટલાક શકમંદો પર પણ શંકા છે, જેમના વિશે પોલીસ હવે શોધી રહી છે. બેગની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર