#Missionpaani: આમિર ખાને કહ્યુ, 'પાણીને બેંક બેલેન્સની જેમ સમજી-વિચારીને વાપરો'

આમિર ખાન (ફાઇલ તસવીર)

આમિર ખાને એવું પણ કહ્યુ કે જ્યારે તે સત્યમેવ જયતે કરી રહ્યો હતો ત્યારે તેને એવું લાગ્યું હતું કે પાણી એક એવો વિષય છે જેના પર કામ થવું જોઈએ.

 • Share this:
  ન્યૂઝ18 : હાલ દેશના અનેક વિસ્તારો દુષ્કાળનો માર સહન કરી રહ્યો છે. દેશના અનેક વિસ્તારોના લોકો ગરમીના દિવસોમાં બૂંદ બૂંદ પાણી માટે વલખાં મારતા હોય છે. એવામાં ન્યૂઝ18 તરફથી 'મિશન પાની' અભિયાન લોંચ કરવામાં આવ્યું છે. જેનો ઉદેશ્ય પાણી બચાવવા માટે નવા ઉપાયો, પાણી સાથે જોડાયેલી જાણકારી અને તેના વિચાર અંગે જાણકારી આપવાનો છે. આ મિશન અંતર્ગત અભિનેતા આમિર ખાને ન્યૂઝ18ના મેનેજિંગ એડિટર કિશોર અજવાની સાથે વાત કરી હતી.

  આમિર ખાને કહ્યુ કે પીએમ મોદીએ જે મિશન પાણી શરૂ કર્યું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે જળશક્તિ મંત્રાલય બનાવ્યું તે પણ સારું પગલું છે. આમિર ખાને એવું પણ કહ્યુ કે જ્યારે તે સત્યમેવ જયતે કરી રહ્યો હતો ત્યારે તેને એવું લાગ્યું હતું કે પાણી એક એવો વિષય છે જેના પર કામ થવું જોઈએ.

  પાણીની જાળવણીના પ્રયાસો વધારવા પડશે

  આ મિશનની શરૂઆત મહારાષ્ટ્રથી કરવામાં આવી છે. મોટાપાયે કામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમિર ખાને સૂચન કર્યું કે વરસાદ દરમિયાન જે પાણી ગામોમાં વરસે છે તેનો સંગ્રહ કરવામાં આવે. તેને જમીનની અંદર સાચવવામાં આવે.

  આમિર ખાને કહ્યુ કે, જ્યાં થોડો વરસાદ પણ પડી રહ્યો છે ત્યાં પાણીને સાચવી લેવામાં આવે. આમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ખૂબ જ સહકાર મળ્યો છે. તેઓ પણ આ અંગે કામ કરી રહ્યા છે. આમીરનું માનવું છે કે દરેક ગામમાં આવું કામ થાય તો મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે. જ્યાં સુધી આ અભિયાન આંદોલનનું સ્વરૂપ ધારણ નહીં કરે ત્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે.

  આમિરનું કહેવું છે કે ત્રણ તળાવોની પસંદગી કરવામાં આવી છે. ગામોમાં સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. લોકોને તકનીકી બાબતોની માહિતી આપવામાં આવી રહી છે. અમે તેમને પૈસા કે મશીન નથી આપતા ફક્ત જ્ઞાન આપી રહ્યા છીએ. તે લોકો ગામમાં જઈને બીજા લોકોને આ તકનીક શીખવી રહ્યા છે.

  પાણીની જાળવણીમાં અનેક પડકારો

  આમિર ખાને જણાવ્યું કે મિશન પાનીમાં દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે. દરેક માણસોને મિશન સાથે જોડવા જરૂરી છે. આવું કરવામાં પડકારો પણ છે. રાજકારણ અને જાતિઓની સમસ્યા પણ આવે છે. અનેક વખત રાજકીય પાર્ટીઓ ઝઘડા કરવા લાગે છે. જાતિને કારણે કોઈ પાસે જમીન છે, બીજા પાસે બીજી સુવિધા નથી, આવી ફરિયાદો સામે આવતી રહી છે.

  બચત અને સમજી-વિચારીને ઉપયોગ કરવાથી પરિવર્તન આવશે

  આમિરે કહ્યુ કે પાણીના સમસ્યાના ઉકેલ માટે એક બાજુ પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે. સાથે જ તેને બેંક બેલેન્સની જેમ વાપરવામાં આવે તે પણ જરૂરી છે. લોકોએ એ વાત સમજવી પડશે કે પાણીના સ્ત્રોત મર્યાદિત છે, સમજી-વિચારીને ઉપયોગ નહીં કરીએ તો પાછળથી પસ્તાવવું પડશે. પાણીનું સન્માન નહીં કરો તો તે ખતમ થઈ જશે.

  આમિરે કહ્યુ કે પાણી બજેટ રાખવું અને તેનું પ્લાનિંગ કરવું જરૂરી છે. શહેરોમાં વોટર હાર્વેસ્ટિંગ કરી શકાય છે, વરસાદનું પાણી આવે તો સંગ્રહ કરી શકાય છે. મુંબઈમાં આટલો વરસાદ પડે છે પરંતુ પાણી વહી જાય છે. મારા બિલ્ડિંગમાં વોટર હાર્વેસ્ટિંગ નથી, આજે કામ શરૂ કરીશું તો એક વર્ષ લાગી જશે. દરેક સોસાયટી અને દરેક બિલ્ડિંગ આ કામ કરશે તો મોટો ફરક પડશે.
  Published by:Vinod Zankhaliya
  First published: