રવિવારે રાત્રે નાગપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને તેના પરિવારના અન્ય ચાર સભ્યોની હત્યા કરી નાખવામાં આવી છે.
બીજેપીના કાર્યકર કમલાકર પોહાનકર, તેમની પત્ની અર્ચના, દીકરી વેદાંતી, ભત્રીજા ગણેશ, અને માતા મીરાબાઇની કોઇ અજાણ્યા લોકોએ ધારદાર હથિયારના ધા મારીને હત્યા કરી નાખી હતી. પરિવાર ઊંઘી રહ્યો હતો ત્યારે તેમના પર હુમલો થયો હતો.
સોમવારે સવારે પાડોશીએ પરિવારને અવાજ કરતા ઘરમાંથી કોઈ પ્રત્યુત્તર ન મળતા આ બનાવ સામે આવ્યો હતો.
કમલાકરના એક સંબંધી ઇશ્વર દેંગેએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા. સમાજમાં તેમનું ખૂબ જ સારું નામ હતું. કોઈ સાથે તેમને દુશ્મની હોય તેવું મારા ધ્યાનમાં નથી."
પોલીસને એવી આશંકા છે કે પરિવારના ઝઘડાને કારણે આ હત્યાકાંડ સર્જાયો છે.
ડીસીપી એસ.ડી. દિધવકરે જણાવ્યું હતું કે, "પરિવારના તમામ સભ્યોની હત્યા રાત્રે એકથી ત્રણ વાગ્યા વચ્ચે થઈ હતી. અમને આશંકા છે કે હત્યારાઓ કોઈ નજીકના લોકો જ છે. પ્રાથમિક રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે પરિવારમાં ઝઘડાને કારણે આ હત્યાકાંડ સર્જાયો છે."
મળતી માહિતી પ્રમાણે કમલાકરના પરિવાર સાથે રહેતા તેના એક સંબંધી હત્યા બાદ ગુમ છે. પોલીસને એવી આશંકા છે કે આ વ્યક્તિએ જ હત્યાકાંડનો અંજામ આપ્યો છે. પોલીસ આ દિશામાં કામ કરી રહી છે.