Home /News /national-international /સંજય રાઉતનો આરોપ- ગુજરાત, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો પ્રચાર કરી રહી છે
સંજય રાઉતનો આરોપ- ગુજરાત, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો પ્રચાર કરી રહી છે
શિવસેનાના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉત. (ફાઇલ ફોટો)
Sanjay Raut The Kashmir Files: શિવસેનાના નેતાએ કહ્યું કે 1990માં જ્યારે કાશ્મીરી પંડિતો અને શીખોએ કાશ્મીર છોડવું પડ્યું ત્યારે કેન્દ્રમાં ભાજપ સમર્થિત વીપી સિંહની સરકાર હતી. રાઉતે કહ્યું, “ભાજપ નેતા જગમોહન તે સમયે કાશ્મીરના રાજ્યપાલ હતા.
શિવસેના (Shivsena)ના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગુજરાત અને રાજસ્થાનમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files)નું પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે ફિલ્મમાં ઘણા કડવા સત્યોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાઉતે શિવસેનાના મુખપત્ર 'સામના'માં તેમની સાપ્તાહિક કોલમ 'રોકટોક'માં લખ્યું છે કે કાશ્મીરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની વાપસી સુનિશ્ચિત કરવી એ ભાજપનું વચન હતું, પરંતુ કલમ 370 નાબૂદ થવા છતાં તે થયું નથી. શિવસેનાના સાંસદ જાણવા માંગતા હતા કે કોની નિષ્ફળતા છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files)ના મુખ્ય પ્રચારક પણ ગણાવ્યા હતા. ભાજપ પર નિશાન સાધતા રાઉતે પ્રશ્ન કર્યો કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ભારતમાં સામેલ કરવાના પક્ષના વચનનું શું થયું.
આ ફિલ્મ ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત દર્શાવે છે
વિવેક અગ્નિહોત્રી દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત ફિલ્મ કાશ્મીર ફાઈલ્સ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા સમુદાયના સભ્યોની આયોજનબદ્ધ હત્યાઓ બાદ કાશ્મીરમાંથી સમુદાયના હિજરતને દર્શાવે છે. 11 માર્ચે રિલીઝ થઈ ત્યારથી આ ફિલ્મને લઈને રાજકીય પક્ષોમાં ચર્ચા ચાલી રહી છે. મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત ભાજપ શાસિત કેટલાંક રાજ્યોએ તેને કરમુક્ત જાહેર કરી છે.
આગામી વિધાનસભા ચૂંટણી જીતવાના ઉદ્દેશ્ય સાથે બતાવવામાં આવેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ'
રાઉતે કહ્યું, "કાશ્મીરમાંથી હિંદુ પંડિતોની હિજરત, તેમની હત્યાઓ, તેમના પર થયેલા અત્યાચાર અને તેમના ગુસ્સા પર આધારિત આ ફિલ્મ પરેશાન કરનારી છે, પરંતુ તેનાથી પણ વધુ હેરાન કરનારી વાત એ છે કે આ ફિલ્મ દ્વારા હિંન્દુ-મુસ્લિમોમાં ભાગલા પાડવા અને ચૂંટણી જીતવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે." રાજ્યસભાના સભ્યએ આરોપ લગાવ્યો કે ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી જીતવા માટે 'ધ કાશ્મીર ફાઇલ્સ' દર્શાવવામાં આવી છે.
રાઉતે કહ્યું કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' જેવી ફિલ્મો બનવી જોઈએ, પરંતુ આરોપ લગાવ્યો કે આવી ફિલ્મોનો એજન્ડા હવે રાજકીય વિરોધીઓ વિશે નફરત અને ભ્રમ ફેલાવવાનો બની ગયો છે. તેણે કહ્યું કે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્માતાઓએ અગાઉ 'ધ તાશ્કંદ ફાઇલ્સ'નું નિર્માણ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે આ ફિલ્મ દ્વારા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ માટે માત્ર ગાંધી પરિવાર જ જવાબદાર હોવાનું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
'ધ કાશ્મીર ફાઇલ્સ'માં ઘણા કઠોર સત્યોને દબાવવાનો પ્રયાસ
શિવસેનાના નેતાએ દાવો કર્યો હતો કે 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ સત્ય ઘટનાઓને દર્શાવીને ઘણા કઠોર સત્યોને દબાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું, “32 વર્ષ પહેલા કાશ્મીરનું વાતાવરણ માત્ર કાશ્મીરી પંડિતો માટે જ નહીં, પરંતુ દરેક માટે ખરાબ હતું. જો કે કાશ્મીરી પંડિતો આનાથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા." રાઉતે કહ્યું કે તે સમયે કાશ્મીરમાં માર્યા ગયેલાઓમાં કાશ્મીરી પંડિતો ઉપરાંત કાશ્મીરી શીખ અને મુસ્લિમો પણ હતા.
'ધ કાશ્મીર ફાઇલ્સ'માં છુપાયેલા અનેક સત્યો
તેમણે કહ્યું કે કાશ્મીરમાં પ્રથમ રાજકીય હત્યા ઓગસ્ટ 1989માં નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ યુસુફ હલવાઈની થઇ હતી, અને અગાઉ પોલીસ મહાનિરીક્ષક પર હુમલો થયો હતો, જેમાં અધિકારીનો અંગરક્ષક માર્યો ગયો હતો. રાઉતે આરોપ લગાવ્યો કે 'ધ કાશ્મીર ફાઈલ્સ'માં આવા ઘણા સત્ય છુપાવવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આઝાદીના 43 વર્ષ સુધી કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી ભાગી જવાની ફરજ પાડવામાં આવી ન હતી.
'1990માં માત્ર બાલા સાહેબ ઠાકરેએ કાશ્મીરી પંડિતોના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો હતો'
શિવસેનાના નેતાએ કહ્યું કે 1990માં જ્યારે કાશ્મીરી પંડિતો અને શીખોએ કાશ્મીર છોડવું પડ્યું ત્યારે કેન્દ્રમાં ભાજપ સમર્થિત વીપી સિંહની સરકાર હતી. રાઉતે કહ્યું, “ભાજપ નેતા જગમોહન તે સમયે કાશ્મીરના રાજ્યપાલ હતા. જ્યારે હિન્દુઓ ખીણમાં મરી રહ્યા હતા અને ભાગી રહ્યા હતા ત્યારે 'કાશ્મીર ફાઇલ' હોલ્ડ પર હતી." તેમણે દાવો કર્યો હતો કે તે સમયે શિવસેનાના સ્થાપક દિવંગત બાળ ઠાકરે જ કાશ્મીરી પંડિતોના અધિકારો માટે અવાજ ઉઠાવતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર