બંગાળના BJP પ્રમુખના નિવેદનથી પાર્ટીમાં હડકંપ, કહ્યું- મમતા બની શકે છે PM

પ્રતિકાત્મક તસવીર

ઘોષે કહ્યું કે, હું મમતાના સારા સ્વાસ્થ્ય અને સફળતાની પ્રાર્થના કરું છું, અમારા રાજ્યનું ભવિષ્ય તેમની સફળતા પર આધારી છે."

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ભાજપના પશ્ચિમ બંગાળના પ્રમુખ દિલીપ ઘોષએ પીએમ ઉમેદવાર અંગે આપેલા નિવેદને વિવાદ ઊભો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, જો પશ્ચિમ બંગાળમાંથી કોઇ વડાપ્રધાન બની શકે તેમ હોય તો તે તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી છે.

  દિલીપ ઘોષે કહ્યું કે, "જો બંગાળમાંથી વડાપ્રધાન પદ માટે ઉમેદવારની પસંદગી કરાય તો મમતા બેનર્જીની પ્રબળ સંભાવના છે. તે દેશના આગામી વડાપ્રધાન બનવાનું સપનું પણ જોઇ રહ્યાં છે. અમે ઇચ્છીયે છીએ કે તેઓ સ્વસ્થ્ય રહે, જેથી સારું કામ કરી શકે. પરંતુ વાસ્તવિકતા એ છે કે નરેન્દ્ર મોદી ફરી એકવાર 2019માં પીએમ બનશે."

  મમતાના જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં ઘોષે કહ્યું કે, તેઓ મમતાના સારા સ્વાસ્થ્ય અને સફળતાની પ્રાર્થના કરે છે, "કેમ કે, અમારા રાજ્યનું ભવિષ્ય તેમની સફળતા પર આધારી છે."

  જ્યારે ઘોષને લાગ્યું કે તેમના નિવેદનથી વિવાદ ઊભો થઇ શકે તેમ છે, ત્યારે તેમણે કહ્યું કે મમતાના જન્મદિવસ પર તે તેમના વિશે કોઇ ખરાબ વસ્તુ કહેવા નહોતા માગતા. તેમણે કહ્યું કે, "જ્યોતિ બસુ દેશના પહેલાં બંગાળી વડાપ્રધાન બની શકયા હોત પરંતુ તેમની પાર્ટી (CPI-M)એ આવું થવા ન દીધું. જો બંગાળથી કોઇને પીએમ પદ માટે પસંદ કરવામાં આવે તો મમતા બેનર્જી દરેક લોકોની પહેલી પસંદ હશે."

  દિલીપ ઘોષે રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવ મુખર્જીની ઉમેદવારી અટકાવવા માટે મમતા બેનર્જીની ટિકા પણ કરી. તેમણે કહ્યું, "લોકો એ વાતને યાદ રાખશે કે કેવી રીતે મમતાએ પ્રણવ મુખર્જીની ઉમેદવારી રોકવાના પ્રયાસો કર્યા."

  જ્યારે ન્યૂઝ 18એ ભાજપના રાષ્ટ્રીય સચિવ અને રાજ્યના પૂર્વ અધ્યક્ષ રાહુલ સિંહા પાસેથી દિલીપ ઘોષના નિવેદન અંગે પ્રતિક્રિયા માગી ત્યારે તેમણે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું. સૂત્રોનું માનીએ તો દિલ્હીમાં બેઠેલા ભાજપના નેતાઓએ ઘોષ પાસેથી તેમના નિવેદન અંગે સ્પષ્ટતા માગી છે.
  Published by:Azhar Patangwala
  First published: