ન્યૂઝ18 ગુજરાતી: મોટા ભાગના 'એક્ઝિટ પૉલ' માં એનડીએની સરકાર બનશે તેવી ભવિષ્યવાણી થયા બાદ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના તમામ નેતાઓને તેમના નિવાસસ્થાને 'ડિનર' માટે બોલાવ્યા છે. એવું માનવામાં આવી રહયું છે કે, 23મી મૅ ના રોજ પરિણામો આવ્યા બાદ નવી સરકારમાં કોની શું ભૂમિકા હશે તે અંગેની ચર્ચા માટે અહીં ચર્ચાવિચારણા કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, મોદી કેબિનેટના તમામ મંત્રીઓ સાથે મંગળવારે મુલાકાત કરવાના છે. આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ પણ હાજર રહેશે તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતીને માનીએ તો પીએમ મોદી સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતને પણ મળી શકે છે.
બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સોમેવારે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળોએ 'એક્ઝિટ પૉલ'ના અનુમાનોને નકારી કાઢ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ 'એક્ઝિટ પૉલ' ને 'અટકલબાજી' ગણાવીને આ પ્રકારના સર્વેક્ષણો ઉપર તેમને ભરોસો નહિ હોવાનું જણાવતા કહ્યું હતું કે આ પ્રકારની 'રણનીતિ' નો ઉપયોગ ઇવીએમમાં 'ગડબડ' કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
સોનિયા ગાંધીએ 23મી મૅના રોજ દિલ્લીમાં વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. 'એક્ઝિટ પૉલ' માં હાર બાદ સોનિયા ગાંધીએ એનડીએના વિરોધી દળો સાથે સંપર્ક સાધીને રણનીતિ બનાવવાની ચર્ચા કરવા માટેની જવાબદારી મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને પી.ચિદમ્બરમ સહિતના વરિષ્ઠ નેતાઓને સોંપી છે. જો કે, આ બેઠક પૂર્વે જ માયાવતીએ તેમાં શામેલ થવાની સંભાવનાઓને નકારી કાઢી છે.
બીજી તરફ આંધ્ર પ્રદેશના સીએમ એન.ચંદ્રાબાબુ નાયડુ તેમના 'મિશન' માં લાગ્યા છે અને છેલ્લા ત્રણ દિવસોથી સતત અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ, બહુજનસમાજવાદી પાર્ટીના માયાવતી, ડાબેરી નેતા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી ચુક્યા છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર