ઋષભ મણિ ત્રિપાઠી, લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ (Lucknow)માં મંગળવારે રાત્રે ભારતીય જનતા પાર્ટીના સાંસદ કૌશલ કિશોર (BJP MP Kaushal Kishore) અને ધારાસભ્ય જય દેવીના પુત્ર આયુષ કિશોર (ઉં.વ.30)ને અજાણ્યા બાઇક સવાર બદમાશોએ ગોળી (Firing) મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જે બાદમાં તાત્કાલિક ઘાયલને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ હુમલાખોરોની શોધખોળ કરી રહી છે. હાલ ડૉક્ટરોએ આયુષની હાલત ચિંતાજનક ન હોવાનું જણાવ્યું છે. આ અંગે જાણકારી મળતા જ પોલીસના ઊચ્ચ અધિકારીઓ અને સાંસદ ટ્રોમા સેન્ટર ખાતે દોડી ગયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે આયુષ મંગળવારે મોડી રાત્રે ગાડી લઈને નીકળ્યો હતો. છઠે મીલ પાસે ગાડી રોકી ત્યારે કોઈએ દૂરથી ગોળી મારી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાંસદના પુત્રની લાઇસન્સવાળી પિસ્ટલમાંથી જ ગોળી ચાલી છે. આ કેસમાં સાંસદ પુત્ર આયુષના સાળાની પોલીસે અટકાયત કરી લીધી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. ગોળી છાતીના ભાગે મારવામાં આવી છે.
ડીસીપી નૉર્થ રઈસ અખ્તરે જણાવ્યું કે, સાંસદ કૌશલ કિશોરના પુત્ર આયુષને ગોળી વાગી છે. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આયુષ ખતરાથી બહાર છે. આ અંગે કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. જ્યારે ઘટનાસ્થળની બાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવીને તેના આધારે પોલીસે બદમાશોની શોધખોળ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે આયુષ પર પહેલા પણ હુમલો થઈ ચૂક્યો છે. આથી જૂના રાગદ્વેશમાં હુમલો કરવામાં આવ્યાની આશંકા છે.
કૌશલ કિશોર મોહનલાલગંજ વિસ્તારમાંથી સાંસદ છે. લખનઉ પોલીસ કમિશનર ડી કે ઠાકુરે જણાવ્યું કે, સાંસદના પુત્રએ ગયા વર્ષે જ પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાદમાં તે પિતાથી અલગ રહેતો હતો. તપાસમાં એવું સામે આવ્યું છે કે આયુષના કહેવા પર જ તેના સાળાએ તેના પર ગોળી ચલાવી હતી. પોલીસે જે પિસ્ટલમાંથી ગોળી ચાલી હતી તેને જપ્ત કરી લીધી છે. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે આયુષે શા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર