બીજેપી સાંસદ વિનય કટિયારે ઉત્તર પ્રદેશમાં કાસગંજમાં ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. કટિયારના જણાવ્યા પ્રમાણે, કાસગંજમાં હિંસા ફેલાવવા પાછળ પાકિસ્તાનના સમર્થકોનો હાથ છે. કટિયારે કહ્યું કે ચંદનની હત્યા પાકિસ્તાનના સમર્થકોએ કરી છે.
મંગળવારે વિનય કટિયારે જણાવ્યું હતું કે, 'કાસગંજ હિંસા ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. જિલ્લામાં આ પહેલા ક્યારેય કોમી તણાવ જેવી પરિસ્થિતિ નથી ઉભી થઈ. તમામ સમાજના લોકો અરસ પરસ સદભાવથી રહે છે. 26 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનનું સમર્થન કરતા કેટલાક તોફાની તત્વોએ તિરંગાનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં માહોલ બગડ્યો હતો.'
બીજેપીના રાજ્યસભાના સાંસદ વિનય કટિયારે કહ્યું કે, 'કાસગંજમાં પાકિસ્તાનથી લોકો આવી ગયા છે. જે લોકો રાષ્ટ્રધ્વજનો સ્વીકાર નથી કરી રહ્યા. તે લોકો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે. આ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.'
વિનય કટિયારે કાસગંજ કેસમાં યોગી સરકારની કાર્યવાહીની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું, 'સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. હજી વધારે કડક પગલાં ભરવાની જરૂર છે. સરકારે સીટની રચના કરી દીધી છે. કોઈ ગુનેગાર બચી નહીં શકે.'
બીજી તરફ, સાધ્વી નિરંજન જ્યોતિએ પણ કાસગંજ કેસમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, 'આ ઘટના બતાવે છે કે રાષ્ટ્રવિરોધી તત્વો તિરંગા યાત્રાને સહન નથી કરી શકતા. યૂપી સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. આવી ઘટનાઓને સહન ન કરી શકાય. આ મુદ્દે રાજકારણ કરવું ન જોઈએ.'
શું છે કાસગંજ કેસ?
શુક્રવારે ગણતંત્ર દિવસ પર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરોએ તિરંગા યાત્રા કાઢી હતી. તિરંગા યાત્રા જ્યારે બિલમાર ગેટ પાસે લઘુમતિઓના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તિરંગા યાત્રા કાઢનાર યુવકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. જેના કારણે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બાદમાં અથડામણે કોમી હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
બંને તરફથી જોરદાર પથ્થરમારો થયો હતો અને ગોળી પણ ચાલી હતી. ફાયરિંગમાં ચંદન ગુપ્તા નામના એક યુવકનું મોત થઈ ગયું હતું. યુવકનાં મોત બાદ હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ટોળાએ દુકાનોમાં તોડફોડ અને લૂંટફાટ કરી હતી. રાત થતાં થતાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો અને પોલીસ ખડકી દેવામાં આવી હતી. વિસ્તારમાં કર્ફ્યૂ પણ લગાવી દેવામાં આવ્યો હતો. કાસગંજ કેસમાં અત્યાર સુધી 112 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર