નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી(Delhi Assembly Election 2020) માં ભારતીય જનતા પાર્ટી (BJP)આશા પ્રમાણે પ્રદર્શન કરી શકી નથી, પાર્ટીની હાર પર દિલ્હી બીજેપી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ(Manoj Tiwari) આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal)જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. મનોજ તિવારીએ કહ્યું હતું કે દિલ્હીની જનતાનો જનાદેશ માથા પર. હું કેજરીવાલને તેમની પાર્ટીની જીત બદલ અભિનંદન આપું છું. અમારા કાર્યકર્તાઓએ સખત મહેનત કરી હતી. હારથી કાર્યકર્તાઓએ નિરાશ થવું જોઈએ નહીં.
દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું હતું કે હું કાર્યકર્તાઓેને તેમની મહેનત માટે સાધુવાદ આપું છું. દિલ્હીની જનતાનો જનાદેશ માથા પર રાખતા હું કેજરીવાલને અભિનંદન આપું છું. હું આશા કરું છું કે દિલ્હીની જનતાની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખતા તેમની અપેક્ષાઓને પુરી કરશે.
આ પણ વાંચો - ભવ્ય જીત પછી કેજરીવાલે કહ્યું - હનુમાનજીએ કૃપા વરસાવી, દિલ્હીવાસીઓ I Love You
હારના કારણે નિરાશ પણ વોટની ટકાવારી વધી
મનોજ તિવારીએ કહ્યું હતું કે અમને ઘણી અપેક્ષા હતી પણ અમે તેમાં ખરા ઉતર્યા નથી. જેની અમે સમીક્ષા કરીશું. દિલ્હીમાં ચૂંટણીની ગણતરી લગભગ પુરી થઈ ગઈ છે અને અમે સાત સીટો પર જીતી રહ્યા છીએ. હારના કારણે અમે નિરાશ છીએ પણ 2015ની અપેક્ષાએ વોટની ટકાવારી વધી છે. 2015માં 32 ટકા વોટ શેર આ વખતે વધીને 38 ટકા થયો છે.
પ્રદેશ અધ્યક્ષ હોવાના નાતે પરાજયની જવાબદારી મારી
મનોજ તિવારીએ કહ્યું હતું કે અમે પુરી રીતે સાંસદના રુપમાં જે રીતે કામ કરી શકીએ છીએ તે રીતે કરીશું. અમે ઇચ્છીએ છીએ કે હવે દિલ્હીમાં બ્લેમ ગેમ ઓછો થાય અને કામ વધારે થાય. ન્યૂઝ એજન્સી પીટીઆઈના મતે ચૂંટણીમાં થયેલા પરાજય પછી રાજીનામાના સવાલ પર મનોજ તિવારીએ કહ્યું હતું કે હું પ્રદેશ અધ્યક્ષ છું તો પરાજયની જવાબદારી મારી છે. અમે તેની પુરી સમીક્ષા કરીશું.