ચૂંટણી રેલીમાં રડી પડી જયા પ્રદા, કહ્યું- 'આઝમને કારણે રામપુર છોડીને ગઈ હતી'

જયા પ્રદા

રામપુરથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી જયા પ્રદાનું દુઃખ ચૂંટણી પ્રચાર દરમિયાન છલકાતું રહે છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલી ફિલ્મ અભિનેત્રી જયા પ્રદા આજકાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. રામપુરથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી જયા પ્રદાનું દુઃખ ચૂંટણી પ્રચાર દરમિયાન છલકાતું રહે છે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જયા પ્રદાએ એક જાહેરસભામાં રામપુરની જૂની યાદોને વાગોડી હતી. આ દરમિયાન તે અચાનક ભાવુક થઈને રડવા લાગી હતી.

  બુધવારે જ જયા પ્રદાએ પોતાનું ઉમેદવાર ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા તેણી મંદિરમાં ગઈ હતી અને પૂજા કરી હતી. જે બાદમાં તેણીએ એક જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભાના સંબોધતી વખતે જયાએ અપ્રત્યક્ષ રીતે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર પ્રહાર કર્યા હતા.

  જયા પ્રદાએ કહ્યું, "હું ગરીબો માટે કામ કરવા માંગતી હતી પરંતુ તેઓ કરવા દેતા ન હતા. તેમની વિરુદ્ધ કંઈ કરવા પર જેલમાં મોકલી દેવામાં આવતા હતા." (આ પણ વાંચો : બીજેપીમાં સામેલ થઈ જયા પ્રદા, કહ્યું- 'પીએમ મોદીના વિઝન પર કામ કરીશ')

  જયા પ્રદાએ વધુમાં કહ્યું કે, "હું રામપુર છોડવા માંગતી ન હતી પરંતુ મજબૂરીમાં છોડીને ગઈ હતી. હું સક્રિય રાજનીતિમાં એ માટે ન આવી કારણ કે મારા પર એસિડથી હુમલો કરવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. મારા પર હુમલો થયો હતો. આજે હું ખુશ છું કે આખી ભારતીય જનતા પાર્ટી મારી સાથે છે."

  નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીમાં એક બીજાની સાથે રહેલા આઝમ ખાન અને જયા પ્રદા હવે એક બીજા વિરુદ્ધ રામપુરથી ચૂંટણી લડી રહ્યા છે. બંને વચ્ચેની ટક્કર જોરદાર રહેશે. જયા પ્રદા સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપરથી વર્ષ 2004 અને 2009માં રામપુરથી સાંસદ રહી ચુકી છે. 2010માં જયા પ્રદાને પાર્ટીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: