શું ચીન પોતાના સૈનિકો વધુ મજબૂત અને ક્રૂર બનાવવા જેનેટિક ફેરફાર કરી રહ્યું છે? આ રહ્યો અહેવાલ
શું ચીન પોતાના સૈનિકો વધુ મજબૂત અને ક્રૂર બનાવવા જેનેટિક ફેરફાર કરી રહ્યું છે? આ રહ્યો અહેવાલ
(Photo- news18 via Reuters)
ચીનની કથિત સામ્રાજ્યવાદની નીતિ વિશ્વ માટે ખતરા સમાન છે. જેથી ચીનને અનેક દેશો સાથે સરહદ સહિતના પ્રશ્ને સંબંધો ખરાબ છે. આવી સ્થિતિમાં કોરોના વાયરસ ફેલાવા બદલ અનેક વૈજ્ઞાનિકો ચીન પર શંકા કરી રહ્યા છે
ચીન પર સામ્યવાદનો લોખંડી પડદો છે. ચીનમાં બનતી ઘટના ફિલ્ટર થઈને જ બહાર આવે છે. ચીનની કથિત સામ્રાજ્યવાદની નીતિ વિશ્વ માટે ખતરા સમાન છે. જેથી ચીનને અનેક દેશો સાથે સરહદ સહિતના પ્રશ્ને સંબંધો ખરાબ છે. આવી સ્થિતિમાં કોરોના વાયરસ ફેલાવા બદલ અનેક વૈજ્ઞાનિકો ચીન પર શંકા કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ચીન ઉંદરો સહિત ઘણા પ્રાણીઓના DNA બદલીને ખતરનાક પ્રયોગો કરી રહ્યું છે. જ્યારે અમેરિકાની ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ, ચીન માત્ર પ્રાણીઓ જ નહીં, પરંતુ માણસોમાં પણ જેનેટિક બદલાવ લાવી રહ્યું છે. સૈનિકોને વધુ શક્તિશાળી અને ક્રૂર બનાવવા માટે જીનેટિક એન્જીનિયરીંગ કરવા આવે છે.
અમેરિકાના ગુપ્તચર અધિકારીએ આપી જાણકારી
યુ.એસ. નેશનલ ઇન્ટેલિજન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર જ્હોન રેટક્લિફે વોલ સ્ટ્રીટ જર્નલમાં અહેવાલમાં દાવો કર્યો છે કે, ચીન સૈનિકોને સુપર સૈનિક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ માહિતી આપતી વખતે રેટક્લિફે ચીનને અમેરિકા સહિત આખી દુનિયા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. વર્ષ 2019માં બે અમેરિકન સંશોધકોએ પણ ચીનના હેતુ વિશે જાણ કરી હતી. આ રિપોર્ટ ધ જેમેસ્ટાઉન ફાઉન્ડેશનમાં પ્રકાશિત થયેલા China's Military Biotech Frontier નામના અધ્યયનમાં કેવી રીતે ચીન તેના સૈનિકોના DNA સાથે ચેડા કરી રહ્યું છે તે જણાવ્યું હતું.
આવી રીતે થાય છે ફેરફાર
ચીન જે કારસ્તાન કરી રહ્યું છે, તેને ક્લસ્ટર્ડ રેગ્યુલેટરી ઈન્ટરસ્પેસડ શોર્ટ પેલિંડ્રોમિક રિપીટ્સ કહેવામાં આવે છે. જે અસલમાં DNA સ્ટ્રક્ચર છે. અત્યાર સુધી તેનો ઉપયોગ બીમારીથી બચવા માટે થતો હતો. આ સાથે જ ખેત પેદાશોનું વધુ ઉત્પાદન થાય તે માટે પણ બાયોલોજીકલ ફેરફાર કરવામાં આવે છે. તેનાથી શંકર નસલ પેદા થાય છે જે વધુ સારું ઉત્પાદન અને ગુણવત્તા આપે છે.
એડિટિંગ ટેકનોલોજી શું છે?
વૈજ્ઞાનિકોને પહેલાથી જ ડર હતો કે, ભવિષ્યમાં કોઈ દેશ આ પ્રયોગ માણસો પર પણ કરી શકે છે. આ ડર ચીનના કિસ્સામાં સાચો સાબિત થતો હોય તેવું લાગે છે. ચીન સૈનિકોના DNA બદલવા જઈ રહ્યું છે.
પ્રતિકાત્મક તસવીર (pixabay)
કપલ પર થઈ ચૂક્યા છે પ્રયોગ
ચીનના વૈજ્ઞાનિક He jiankuiનું નામ આ બાબતે સામે આવ્યું છે. આ વૈજ્ઞાનિકે વર્ષ 2018માં જ સાત કપલ સાથે આ જૈવિક પ્રયોગ કર્યો હતો. તેના પરિણામો જાહેર કરાયા નથી. DNAમાં ભેળસેળ દ્વારા તૈયાર કરાયેલ વ્યક્તિ સેના માટે સંપૂર્ણ ઉપયોગી થઈ શકે છે. તેનું મગજ હંમેશા આક્રમક રીતે વિચારશે અને શરીર પણ એવી રીતનું જ હશે.
જિન એડિટિંગની ટેકનોલોજી પ્રાણીઓનું મિશ્રણ કરીને નવું પ્રાણી બનાવવા સમાન છે. ચીન સૈન્ય માટે કામ કરતા લોકોમાં આ જૈવિક બદલાવ લાવી રહ્યું હોવાથી તેઓ DNAમાં સૈનિકની લાક્ષણિકતાઓ હોઈ શકે તેવા ફેરફાર કરશે. જેમ કે તેઓમાં દયા અથવા સંવેદનશીલતા નામની વસ્તુઓ નહીં હોય. યુદ્ધની સ્થિતિમાં તેઓ ખૂબ ક્રૂર બનશે અને લોકોને નિર્દયતાથી મારી નાંખશે.
સિક્રેટ દસ્તાવેજોથી ભેદ ખુલ્યો
CRISPR-Cas ટેક્નોલોજી વિશે ચીનના સંરક્ષણ વિભાગનો દસ્તાવેજ આકસ્મિક રીતે મીડિયામાં પહોંચી ગયો હતો. જેમાં ચીને પોતે જ સ્વીકાર્યું હતું કે, તેઓ સૈનિકોની તાકાત વધે તે માટે 2016થી જિન-એડિટિંગ પર કામ કરી રહ્યા છે. અલબત્ત આ બાબતે ચીનનું કોઈ નિવેદન બહાર આવ્યું નહોતું. પણ તેના દસ્તાવેજોથી ભાંડો ફૂટી ગયો હતો.
સૈનિકોને પણ બદલાવની જાણ નથી
દેશ માટે કામ કરતા ચીની સૈનિકોને આ બાબતની ખબર નથી. તેમને ખ્યાલ જ નથી કે, તેમનું શરીર માત્ર સેના માટે કામ આવે તેવું બનાવવામા આવી રહ્યું છે. સાયન્સ જર્નલ નેચર બાયોટેક્નોલોજીમાં આ બાબતે ખોફનાક રિપોર્ટ આવી ચુક્યો છે.
ગંભીર બીમારીનો ખતરો
જેનેટિક ફેરફારોના કારણે ટૂંક સમયમાં સૈનિકોના શરીરમાં અન્ય ખતરનાક ફેરફારો જોવા મળશે. ઉદાહરણ તરીકે, જરૂરી જનીનને DNAમાંથી કાઢી નાંખવામાં આવે તો શરીરમાં ઘણા ગંભીર રોગો થઈ શકે. કેન્સરથી લઈને એવા રોગો થઈ શકે જેનો વૈજ્ઞાનિકોને કોઈ ખ્યાલ નથી.
સૈનિકો પર ભારે દબાણ
પીએલએમાં જેનેટિક બદલાવની આ ખબર વધુ ઝડપથી ફેલાઈ છે. ચીનના સૈનિકો પર વધુ આક્રમક અને હંમેશા તૈયાર રહેવાનું દબાણ હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચીનને તેની આસપાસના બધા જ પાડોશી તેમજ દૂરના દેશો સાથે પણ વિવાદ ચાલી રહ્યો છે. ચીન અમેરિકાને પછાડી સુપરપાવર બનવા માટે પોતાનો વિસ્તાર સતત વિસ્તારવા માંગે છે. જેથી ચીની સૈનિકો પર ખૂબ દબાણ છે. તેઓ માનસિક રીતે થાકી રહ્યા છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં આ બાબતને ટાંકતા એક રિપોર્ટમાં સતત તણાવથી ચીની સૈનિકોના સ્વાસ્થ્ય ઉપર પડતી અસર અંગે વર્ણન કરાયું છે. શાંઘાઈની નેવલ મેડિકલ યુનિવર્સિટીએ 580 નૌસૈનિક પર અભ્યાસ કર્યો હતો. જેમાં લગભગ 21 ટકા સૈનિકો કોઈકને કોઈક માનસિક સમસ્યાથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર