Home /News /national-international /

Bill Gates Birthday: બિલ ગેટ્સના જીવનમાં મિત્રોની ભૂમિકા મહત્વની રહી, કોલેજ ડ્રોપઆઉટ હતા

Bill Gates Birthday: બિલ ગેટ્સના જીવનમાં મિત્રોની ભૂમિકા મહત્વની રહી, કોલેજ ડ્રોપઆઉટ હતા

બિલ ગેટ્સ વર્ષો સુધી અમીર વ્યક્તિની યાદીમાં ટોચ પર રહ્યા. (Image- Wikimedia commons)

Bill Gates Birthday: બિલ ગેટ્સ એક દિગ્ગજ બિઝનેસમેન, ઇન્વેસ્ટર, સમાજસેવક તરીકે જાણીતાં છે. માઈક્રોસોફ્ટ (Microsoft) કંપનીના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ વિશ્વમાં કમ્પ્યુટર ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ઓળખાય છે. ગયા વર્ષે તેઓ કોરોના મહામારીમાં તેમના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા, તો આ વર્ષે તેઓ પોતાની પત્ની સાથેના ડિવોર્સને લઈને ચર્ચામાં રહ્યા.

વધુ જુઓ ...
  બિલ ગેટ્સ (Bill Gates) ટેક્નોલોજીની દુનિયામાં અત્યંત જાણીતું નામ છે. તેઓ કમ્પ્યુટિંગ (computing) અને ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં અગ્રણી કંપનીઓમાંથી એક માઈક્રોસોફ્ટ (Microsoft)ના કો-ફાઉન્ડર છે અને એક સમયે દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં મોખરે રહ્યા છે. હાલ તેઓ સક્રિયપણે માઈક્રોસોફ્ટથી જોડાયેલા નથી, પણ તેમની છાપ એક મોટા બિઝનેસમેન, સોફ્ટવેર ડેવલોપર, ઇન્વેસ્ટર, લેખક અને માનવ કલ્યાણથી જોડાયેલી વ્યક્તિ તરીકેની છે. ગયા વર્ષે તેઓ કોરોના મહામારીમાં તેમના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા, તો આ વર્ષે તેઓ પોતાની પત્ની સાથેના ડિવોર્સને લઈને ચર્ચામાં રહ્યા.

  સ્કૂલના દિવસોમાં
  વિલિયમ હેનરી ગેટ્સ તૃતીય ઉર્ફે બિલ ગેટ્સનો જન્મ 28 ઓક્ટોબર 1955ના સિએટલ વોશિંગ્ટનમાં થયો હતો. ગેટ્સના પિતાનું નામ વિલિયમ એચ. ગેટ્સ સિનિયર છે. બાળપણમાં બિલ ગેટ્સનો સ્કૂલનો સમય સારો રહ્યો ન હતો. તેમનું ભણવામાં બિલકુલ મન લાગતું ન હતું. તેમને સ્કૂલમાં અન્ય બાળકોની દાદાગીરીનો સામનો કરવો પડ્યો હતો.

  પ્રોગ્રામિંગમાં રસ જાગ્યો
  ગેટ્સને 13 વર્ષની વયે પ્રોગ્રામિંગ અને સંબંધિત મશીનોમાં ઊંડો રસ જાગ્યો હતો. આ ઉંમરે તેમણે પોતાનો પહેલો પ્રોગ્રામ પણ લખ્યો હતો. તેમણે જીઈ કમ્પ્યુટર પર પોતાનો પહેલો પ્રોગ્રામ લખ્યો હતો. તેમનો આ પ્રોગ્રામ BASIC કમ્પ્યુટિંગ ભાષામાં હતો. આ પ્રોગ્રામમાં યુઝર્સ કમ્પ્યુટર સાથે ટિક ટેક ટો રમી શકતા હતા.

  ખાસ મિત્રના મૃત્યુનો આઘાત
  હાઈસ્કૂલના અભ્યાસ દરમ્યાન બિલની મિત્રતા પોલ જી એલન અને કેન્ટ ઇવાન સાથે થઈ. કેન્ટ ઇવાન ગેટ્સનો પાક્કો મિત્ર હતો પણ ઇવાનનું એક દુર્ઘટનામાં મૃત્યુ થયું અને તેને બિલ ગેટ્સ આજે પણ પોતાના જીવનની સૌથી દુઃખદ ક્ષણ માને છે. ત્યારબાદ ગેટ્સ અને ઇવાનના અધૂરા પ્રોજેક્ટને પૂરો કરવા માટે પોલ જી એલન સાથે આવ્યા અને એ પછી બંનેની જુગલબંધી શરુ થઈ ગઈ. હાર્વર્ડમાં જ બિલની મુલાકાત સ્ટીવ બાલમર સાથે થઈ જે બિલ ગેટ્સ બાદ માઈક્રોસોફ્ટના પ્રમુખ બન્યા.

  bill gates birthday
  બિલ ગેટ્સ હવે પરોપકારી કાર્યો કરવામાં વ્યસ્ત છે. (Image- Wikimedia commons)


  કોલેજ ડ્રોપઆઉટ
  હાવર્ડમાં અભ્યાસ દરમ્યાન બે વર્ષમાં જ પોતાની કંપની ખોલવા માટે બિલે અભ્યાસ છોડી દીધો. પરિવારે સમર્થન આપ્યું અને તેમને પોલ એલનનો સાથ પણ મળ્યો. શરૂઆતમાં બંનેએ એમઆઈટીએસ સાથે કામ કર્યું અને તેના ટૂંક સમયમાં ગેટ્સ અને એલને માઈક્રો-સોફ્ટ નામની કંપનીની શરૂઆત કરી.

  ઓપરેટિંગ સિસ્ટમની દુનિયામાં પગ માંડ્યા
  ગેટ્સએ જોયું કે તેમની કંપનીએ બનાવેલા સોફ્ટવેરની નકલનો બજારમાં આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને માઈક્રોસોફ્ટને તેની કિંમત નથી મળી રહી. ત્યારબાદ 1980માં આઈબીએમ અને માઈક્રોસોફ્ટનું જોડાણ થયું. માઈક્રોસોફ્ટે આઈબીએમના પર્સનલ કમ્પ્યુટર માટે પહેલી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી. તેની કિંમત કંપનીને ઓછી મળી પણ આનાથી એક મોટી સોફ્ટવેર કંપનીનો પાયો જરૂર નખાયો.

  દોસ્તીમાં તિરાડ પછી મેળાપ
  માઈક્રોસોફ્ટ કંપની દિવસો દિવસ પ્રગતિ કરી રહી હતી. ગેટ્સ કંપનીના ચેરમેન બન્યા તો એલન વાઈસ ચેરમેન, પણ એક સમયે બંને વચ્ચે અણબનાવ થયો અને એલને માઈક્રોસોફ્ટ છોડી દીધી. પછી એલન ફરી માઈક્રોસોફ્ટ સાથે જોડાયા અને બંનેનો સાથ એલનના મૃત્યુ સાથે ખતમ થયો.

  ગેટ્સની માઈક્રોસોફ્ટ કંપનીએ યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ ડેવલપ કરીને 1985માં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટમાં કંપનીએ બહુ ઝડપથી પ્રગતિ કરી. ગેટ્સએ 2000ની સાલમાં માઈક્રોસોફ્ટનું મુખ્ય કાર્યકારી પદ છોડ્યું પણ તેઓ અધ્યક્ષ અને મુખ્ય સોફ્ટવેર આર્કિટેક્ટ તરીકે રહ્યા. 2006માં તેમણે સમાજસેવા માટે વધુ સમય આપવાનો નિર્ણય લીધો અને 2008 બાદ માઈક્રોસોફ્ટમાં તેમનો અંતિમ કાર્યકારી દિવસ હતો. છેલ્લા કેટલાંક વર્ષોથી બિલ ગેટ્સ પરોપકારી કાર્યો ઉપરાંત લેખનમાં વ્યસ્ત હતા. ગયા વર્ષે તેઓ કોરોના વાયરસના આવતા પહેલાં આપવામાં આવેલી ચેતાવણીના નિવેદનને લઈને ચર્ચામાં હતા. તો આ વર્ષે પત્ની મેલિન્ડા સાથેના ડિવોર્સને લઈને ચર્ચામાં રહ્યા.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Bill Gates, Microsoft માઈક્રોસોફ્ટ, કોમ્પ્યુટર, જ્ઞાન, ટેકનોલોજી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन