નવી દિલ્હીઃ બિહારમાં એનડીએ (NDA) ગઠબંધને 125 સીટો પર જીત નોંધાવીને ફરી એકવાર સત્તા પર હક જમાવી દીધો છે. વાયદા મુજબ નીતીશ કુમાર (Nitish Kumar) જ રાજ્યના મુખ્યમંત્રી હશે. ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ નીતીશ કુમારને જીતની શુભેચ્છાઓ પાઠવી છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ માનીએ તો આ વખતે નીતીશ માટે રસ્તો સરળ નહીં હોય. આવનારા દિવસોમાં તેમને સાઇડલાઇન પણ કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે 6 મહિના બાદ નીતીશ પર તલવાર લટકી શકે છે. બીજેપીના અનેક નેતા તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે છે.
નીતીશ કુમારને ઘેરવાની તૈયારી!
અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસે બીજેપીના કેટલાક નેતાઓના હવાલાથી દાવો કર્યો છે કે નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી, એવામાં તેમને સત્તા હાલ સોંપી દેવામાં આવશે. જોકે પાર્ટી પોતાના વિકલ્પ ખુલ્લા રાખશે. આગામી 6 મહિના બાદ પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરી શકે છે. અખબાર સાથે વાત કરતાં બીજેપીના નેતા સંજય પાસવાને કહ્યું કે, આ બીજેપી અને નરેન્દ્ર મોદીની જીત છે, પરંતુ વાયદા મુજબ અમે લોકો મુખ્યમંત્રીની ખુરશી નીતીશ કુમારને આપી રહ્યા છીએ. હવે આ તેમની નૈતિકતા પર નિર્ભર કરે છે કે તેઓ શું કરે છે.
આ વખતે રાજ્યમાં બીજેપી મોટા ભાઈ તરીકે ઉભર્યું છે. બીજેપીને કુલ 74 સીટો પર જીત મળી છે. જ્યારે JDUના ખાતામાં માત્ર 43 સીટો આવી છે. અગાઉની વિધાનસભા ચૂંટણીની તુલાનામાં તેમને 28 સીટોનું નુકસાન થયું છે. જ્યારે બીજેપીને 21 સીટોનો ફાયદો થયો છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર મુખ્યમંત્રી તો બની જશે પરંતુ સત્તા પર બીજેપીની પકડ વધુ મજબૂત રહેશે. કેબિનેટમાં પણ તેમને વધુ સીટો મળી શકે છે.
આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 15 વર્ષમાં નીતીશની પાર્ટીનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. એવું લાગી રહ્યું છે કે પહેલીવાર માર્ચ 2000માં બિહારની ગાદી સંભાળનારા નીતીશ કુમારની લોકપ્રિયતા હવે ઘટવા લાગી છે. જેથી તેમની પાર્ટીની પકડ જનતાની વચ્ચે નબળી થતી હોય એવું લાગી રહ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2005ની ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં નીતીશની પાર્ટીને 55 સીટો પર જીત મળી હતી. ત્યારબાદ દરેક ચૂંટણીમાં તેમની સીટોની સંખ્યા વધી છે. પરંતુ આ વખતે તેમની પાર્ટી 43 સીટો પર અટકી ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર