પટના : બિહાર (Bihar)ના પાટનગર પટના (Patna)માં સતત પડી રહેલા મૂશળધાર વરસાદ (Heavy Rain Fall)થી પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. પાણીનું સ્તર સતત વધ્યા બાદ રાજ્યના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી (Sushil Kumar Modi) પણ તેમાં ફસાઈ ગયા. મળતા અહેવાલ મુજબ, તેઓ પટનાના રાજેન્દ્રનગર વિસ્તારમાં હતા અને છેલ્લા ચાર દિવસથી ત્યાં ફસાઈ ગયા હતા. બાદમાં એનડીઆરએફ (NDRF)ની ટીમ ત્યાં પહોંચી અને બોટમાં બેસાડી તેમને કિનારે છોડ્યા. સૂત્રો મુજબ, આ દરમિયાન તેમનો પરિવાર પણ તેમની સાથે હતો.
જળસ્તર સતત વધી રહ્યું છે
પટનામાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને વિસ્તારોમાં સતત જળસ્તર વધી રહ્યું છે. શહેરમાં જ હજારોની સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં ફસાઈ ગયા છે. એવામાં એનડીઆરએફ અને અન્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો યુદ્ધના ધોરણે લોકોને રેસ્ક્યૂ કરવાનું કામ કરી રહ્યા છે.
પૂરના કારણે હજુ સુધી બિહારમાં 29 લોકોનાં મોત થયા છે. બીજી તરફ, મોટી સંખ્યામાં લોકો ગુમ થયા છે. પટનામાં સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે અને શહેરમાં પાણી ભરાઈ ગયું છે. કેટલાક વિસ્તારોમાં સ્થિતિ એટલી ખરાબ છે કે વાહન-વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે અને શહેરમાં કલાકોથી વીજળી પુરવઠો બંધ છે. સમગ્ર શહેર જાણે કે સરોવરમાં ફેરવાઈ ગયું છે. રાજેન્દ્રનગર અને પાટલિપુત્ર કૉલોની જેવા નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે.
વાયુસેના પાસે બે હૅલિકોપ્ટરની મદદ માંગી
શહેરમાં અનેક હોસ્પિટલ, દુકાન, બજાર જળમગ્ન થઈ ચૂક્યા છે. લોકોનું ઘરથી બહાર જવું મુશ્કેલ થઈ ગયું છે. અનેક સ્થળે પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ છે. આ દરમિયાન, શહેરના અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમો લાગી ગઈ છે. બીજી તરફ, બિહાર સરકારે ભારતીય વાયુસેના (Indian Air Force)થી પટના પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવા અને ખાવાન પેકેટ્સ તથા દવાઓ પહોંચાડવા માટે બે હૅલિકોપ્ટરોની મદદ માંગી છે.