Home /News /national-international /ભીમા-કોરેગાંવ : "બોલો ભારત માતા કી જય" !

ભીમા-કોરેગાંવ : "બોલો ભારત માતા કી જય" !

આજથી 199 વર્ષ પૂર્વે પુણે નજીકના ભીમા નદીના કાંઠે આવેલા કોરેગાંવ પાસે 834 અંગ્રેજો અને પેશ્વા બાજીરાવ-બીજા વચ્ચે ઘર્ષણ થયેલું. એ કોઈ જબરદસ્ત લડાઈ નહોતી. અંગ્રેજોની 834ની આ સેનામાં લગભગ 500 મહાર જાતિના લડવૈયા પણ હતા, જે અંગ્રેજોની નોકરી કરતા હતા. અંગ્રેજો વતી આ મહારો પેશ્વાઓની 25000ની સેના સામે બહાદુરીથી લડ્યા

આજથી 199 વર્ષ પૂર્વે પુણે નજીકના ભીમા નદીના કાંઠે આવેલા કોરેગાંવ પાસે 834 અંગ્રેજો અને પેશ્વા બાજીરાવ-બીજા વચ્ચે ઘર્ષણ થયેલું. એ કોઈ જબરદસ્ત લડાઈ નહોતી. અંગ્રેજોની 834ની આ સેનામાં લગભગ 500 મહાર જાતિના લડવૈયા પણ હતા, જે અંગ્રેજોની નોકરી કરતા હતા. અંગ્રેજો વતી આ મહારો પેશ્વાઓની 25000ની સેના સામે બહાદુરીથી લડ્યા

વધુ જુઓ ...

ફરી એકવખત ઇતિહાસની ગર્તામાં ધરબાઈ ગયેલા મડદાંઓને જીવતા કરવાનો ખેલ શરુ થયો છે. ફરી એક વખત ઇતિહાસમાંથી કૈક શિખ લેવાને બદલે ઇતિહાસ સાથે ચેડાં કરી કે તેને તોડી-મરોડીને રજૂ કરી જાતિ-જાતિ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનો કારસો રચાયો છે. ફરી એકવખત "પદ્માવતી' અને "પેશ્વા-મહાર"ની નવી કથા ઉભી કરીને સવર્ણ-દલિત વચ્ચે ખટરાગ ઉભા કરવાનો પેંતરો રચાયો છે.


1980 કે તે પછીના સમયગાળામાં બાળાસાહેબ ઠાકરે કે દત્તાજી સામંતની એક હાકલ પર મુંબઈને થંભી જતું તત્કાલીન પેઢીઓએ જરૂર જોયું હશે. પરંતુ આજની પેઢીએ "ભીમા-કોરગાંવ"ના ઘર્ષણ પર માત્ર મુંબઈ જ નહિ પુણે, થાણે, નાસિક, ઔરંગાબાદ, નાગપુર જેવા શહેરોને 'ઠપ્પ' થતા  કદાચિત પહેલી વાર જ જોયા હશે ! માત્ર મહારાષ્ટ્ર જ નહિ, આ વિવાદની અસર ગુજરાત, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યો સુધી પણ પ્રસરી છે.


આપણે સહુ એકાએક 1818ની એક વાતમાં વહી જઈ અનાવશ્યક ઉગ્રતા અને ઘર્ષણના માહોલનો હિસ્સો બની રહ્યા છીએ. 1818 અને 2018 ની સ્થિતિ અને પ્રાથમિકતાઓમાં કંઈ અંતર ખરું કે ? આ વિવાદોથી આખરે કોને ફાયદો છે ? શું મોંઘવારી, શિક્ષણ, રોજગારી, સુરક્ષા, ઘર, સ્વચ્છતા અને આરોગ્યની ઘેરી સમસ્યાઓનું સમાધાન "ભીમા-કોરેગાંવ"મામલે થયેલી ‘હિંસા’ અને ‘બંધ’ના એલાન લાવી શકશે ?


હા, એ હકીકત છે કે આજથી 199 વર્ષ પૂર્વે પુણે નજીકના ભીમા નદીના કાંઠે આવેલા કોરેગાંવ પાસે 834 અંગ્રેજો અને પેશ્વા બાજીરાવ-બીજા વચ્ચે ઘર્ષણ થયેલું. એ કોઈ જબરદસ્ત લડાઈ નહોતી. અંગ્રેજોની 834ની આ સેનામાં લગભગ 500 મહાર જાતિના લડવૈયા પણ હતા, જે અંગ્રેજોની નોકરી કરતા હતા. અંગ્રેજો વતી આ મહારો પેશ્વાઓની 25000ની સેના સામે બહાદુરીથી લડ્યા. અંગ્રેજોની મદદે મદ્રાસથી વધુ કુમકો આવી રહી હોવાની માહિતીથી બાજીરાવ પેશ્વા-બીજો ડર્યો અને પેશ્વાઓએ પીછેહઠ કરવી પડી !


કહેવાય છે કે; આ લડાઈમાં 49 લોકો મરાયા તે પૈકીના 27 મહાર શુરવીરો હતા. આ દલિત હિન્દુ મહાર લડવૈયાઓની સ્મૃતિમાં એક સ્મારક બનેલું છે, જ્યાં વર્ષોથી શહીદ મહારોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ થાય છે. એક સમયે ડૉ.ભીમરાવ આંબેડકર પણ અહીં શ્રધાંજલિ માટે આવેલા. આ સ્થળ કોઈ જશ્નનું સ્થળ નથી. પરંતુ આ વખતે વાતને જરા અલગ રીતે રજુ કરાઈ : મહાર અંગ્રેજો સાથે હતા એટલે તેઓ ‘ભારતવિરોધી’ થઇ ગયા અને પેશ્વાઓ તેમની સામે હતા એટલે તેઓ દેશપ્રેમી કે ‘ભારતપ્રેમી’ ગણાયા ! આ મુદ્દે વિવાદનો મધપૂડો છેડાયો અને ચાલુ થયા સંઘર્ષો. પરંતુ શું 1818માં "ભારત" જેવી કોઈ વિભાવનાનું અસ્તિત્વ હતું ? હકીકતે તો "ભારત" અંગ્રેજોના ગયા બાદ અસ્તિત્વમાં આવે છે. તો પછી ભારતવિરોધી અને તરફીનો સવાલ ક્યાંથી ?


એટલું ચોક્કસ છે કે મુઘલસમ્રાટ અકબર અને સમ્રાટ અશોકના સમયે "હિન્દુસ્તાન' અને "ભારત"ની વિભાવના અને લાગણીઓ બળવત્તર બની હતી. અન્યથા અંગ્રેજોની સેનામાં તમામ યોદ્ધાઓ ભારતીય મૂળના જ હતા ! અહીં ઘર્ષણ કદાચ આરએસએસ-મહાર કે સવર્ણ મરાઠા-દલિત મહાર વચ્ચે હોય શકે છે. આ ઘર્ષણ વચ્ચે એ ના ભૂલવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજ અને શંભાજીએ પણ તેમની સેનામાં મહાર યોદ્ધાઓને રાખ્યા હતા. એટલુંજ નહિ તેમને મોટા હોદ્દા પણ આપ્યા હતા. જો કે  ત્યાર પછીના 200 વર્ષમાં મહારોની હાલત બદતર થઇ ગઈ. એટલે સુધી કે પેશ્વાઈ પુણેમાં મહારો જયારે નીકળતા ત્યારે તેમની પીઠ પાછળ જાડું અને ગાળામાં થૂંકદાની માટે કાટલું લગાડતું ! દમનનની આ ચરમસીમા હતી. આજે પણ "જાતિ" જાતી નથી તે એટલી જ વાસ્તવિક છે.


દલિત હિન્દુ તરીકે લેખાતા આ એ મહારો છે જેણે ડૉ.ભીમરાવ આંબેડકર તો આપ્યાજ છે, સાથે-સાથે ભારતીય સેનાને 1941 થી "મહાર રેજિમેન્ટ" પણ આપી છે. 1946-47 નો જમ્મુ-કાશ્મીરનો વિવાદ, પશ્ચિમ પંજાબની અસ્થિરતા, 1962માં ચીન સાથે લદાખમાં યુદ્ધ, અસલ ઉત્તરની લડાઈમાં પાકિસ્તાન સામે 1971ની જંગ કે કલીધર સહિતની સંખ્યાબંધ લડાઈઓ હોય "યશ-સિદ્ધિ"નો મંત્ર ધરાવતી આ મહાર રેજિમેન્ટ દેશની સેવામાં "બોલો ભારત માતાકી જય"ના નારાથી હંમેશા દેશની સેવા કરતી રહી છે. એટલુંજ નહિ, આ રેજિમેન્ટને તેના શૌર્ય બદલ 1 પરમવીર ચક્ર, 4 મહાવીર ચક્ર, 29 વીરચક્ર, 12 શૌર્ય ચક્ર, 1 કીર્તિચક્ર, 22 વિશેષ સેવા મેડલ અને 63 સેનાએ મેડલ મળ્યા છે. આ રેજિમેન્ટમાંથી જ દેશને બે "ચીફ ઓફ આર્મી સ્ટાફ" જનરલ કે.સુંદરજી અને જનરલ જે.વી.કૃષ્ણરાવ પ્રાપ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે જનરલ કૃષ્ણરાવ બાદમાં જમ્મુ-કાશ્મીરના ગવર્નર પણ બન્યા હતા.


દેશની સેવામાં મહાર અને મહાર રેજિમેન્ટનું આટલું મહત્વ હોય તો આ જાતિ-જાતિ અને ધર્મ-ધર્મ વચ્ચે વૈમનયસ્ય ફેલાવવાથી કોને લાભ થઇ શકે છે તે વિચારવું રહ્યું. "ટાઈમ-મશીન"માં વારે-વારે બેસીને જરી-પુરાણી વાતોને સમયાંતરે ઉખેડી જમીની હકીકતથી વિમુખ થઈને ક્યાં સુધી આપણે મૂર્ખ બન્યા કરીશું !

Published by:sanjay kachot
First published:

Tags: Conflict, મુંબઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन