નવી દિલ્હી: ખેડુતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચમા તબક્કાની બેઠક બાદ પણ કોઈ પરિણામ બહાર આવ્યું નથી. 9 ડિસેમ્બરે બંને પક્ષો ફરી એક વખત બેઠક કરશે, પરંતુ આ દરમિયાન 8 ડિસેમ્બરે ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી 'ભારત બંધ'ની હાકલ કરી છે. ખેડૂત આંદોલન (કિસાન આંદોલન) ને વિરોધી પક્ષો, ટ્રેડ યુનિયન, ઓટો અને ટેક્સી યુનિયનનું પણ સમર્થન મળી રહ્યું છે. દેશવ્યાપી હડતાલની વચ્ચે સર્વિસ સેક્ટરની સેવાઓ પર પણ અસર થવાની ધારણા છે. બંધની મહત્તમ અસર દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં જોવા મળી શકે છે.
ખેડૂત નેતા બલદેવસિંહ યાદવે કહ્યું, 'અમે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે, જે સવારથી શરૂ થશે અને મોડી સાંજ સુધી ચાલશે. હડતાલ દરમિયાન દુકાનો અને ધંધા બંધ રહેશે. જોકે, બંધ દરમ્યાન એમ્બ્યુલન્સ સહિત અન્ય કટોકટી સેવાઓ કાર્યરત રહેશે.
ભારત બંધમાં જોડાતા ઓટો અને ટેક્સી યુનિયનને કારણે દિલ્હીવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. દિલ્હી ટેક્સી ટૂરિસ્ટ ટ્રાન્સપોટર્સ એસોસિએશનના પ્રમુખ સંજય સમ્રાટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, દિલ્હી સ્ટેટ ટેક્સી કોઓપરેટિવ સોસાયટી અને કોમી એકતા વેલ્ફેર એસોસિએશન પણ 8 ડિસેમ્બરે ભારત બંધમાં સમર્થન કરશે. સર્વોદય ડ્રાઇવર્સ એસોસિએશન, જેમાં મુખ્યત્વે ઓલા-ઉબેર ડ્રાઇવરોનો સમાવેશ થાય છે, તે પણ ટેકો આપશે.
ભારત બંધ દરમિયાન બેન્કિંગ સેવાઓ પર અસર થઈ શકે છે
કેટલાક બેંકિંગ યુનિયનો દ્વારા ખેડૂત આંદોલનને ટેકો મળતાં 8 ડિસેમ્બરે બેન્કિંગ સેવાઓ પર અસર થઈ શકે છે. આ યુનિયનોએ સરકારને વિનંતી કરી છે કે, જલ્દીથી ખેડૂતોની સમસ્યા દૂર કરવામાં આવે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA) એ એક નિવેદનમાં કહ્યું છે કે, સરકારે આગળ આવવું જોઈએ અને ખેડૂતોની માંગ પૂરી કરવી જોઈએ. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર ક કોન્ફેડરેશન (AIBOC), ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને ઇન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ (INBOC) એ સરકારને અપીલ કરી છે કે તેઓ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કરે.