દેવામાં ડૂબેલા બિઝનેસમેને માતાપિતા, પત્ની-પુત્રની હત્યા કરી, પોતે પણ આપઘાત કર્યો

News18 Gujarati
Updated: August 16, 2019, 2:01 PM IST
દેવામાં ડૂબેલા બિઝનેસમેને માતાપિતા, પત્ની-પુત્રની હત્યા કરી, પોતે પણ આપઘાત કર્યો
પ્રતિકાત્મક તસવીર

38 વર્ષીય ઓમ પ્રકાશે પહેલા ગર્ભવતી પત્ની, ચાર વર્ષના પુત્ર અને માતા-પિતાના કપાળમાં ગોળી મારી દીધી હતી.

  • Share this:
કર્ણાટકના (Karnataka) ચામરાજનગરમાં (Chamarajanagar) હૃદયને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ રસ્તા પર પોતાના આખા પરિવારની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હત્યાકાંડને અંજામ આપ્યા પછી વ્યક્તિએ પોતે પણ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પાંચ મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

મૃતકોમાં ઓમ પ્રકાશ (38), પત્ની નિકિતા (30), ઓમ પ્રકાશના પિતા નાગરાજ આચાર્ય (65), માતા હેમા રાજુ (60) અને ચાર વર્ષના દીકરા આર્ય ક્રિષ્નાનો સમાવેશ થાય છે. પોલીસના કહેવા પ્રમાણે ઓમ પ્રકાશે બિઝનેસમાં ભારે નુકસાન બાદ દેવું થઈ જવાથી આવું પગલું ભર્યું હોઈ શકે છે.

આ બનાવ ઉટી રોડનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે મૈસુરના ઓમ પ્રકાશે પોતાના પરિવારને ફરવા લઈ જવા માટે મૈસુરથી આશરે 60 કિલોમીટર દૂર ગુંડલપેટમાં નંદી લોંઝમાં એક રૂમ બૂક કરાવ્યો હતો. ગુરુવારે તે પરિવાર સાથે અહીં પહોંચ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તમામ લોકો વહેલી સવારે તેઓ જ્યાં રોકાયા હતા ત્યાંથી એક કિલોમીટર દૂર પહોંચ્યા હતા. હોટલથી દૂર આવ્યા બાદ ઓમ પ્રકાશે પોતાની રિવોલ્વર કાઢી હતી અને પરિવારના સભ્યોની હત્યા કરી નાખી હતી. પરિવારના તમામ સભ્યોની હત્યા કર્યા બાદ ઓમ પ્રકાશે પોતે પણ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. સવાર સવારમાં રસ્તા પર બનેલી આ ઘટનાને જોઈને તમામ લોકો હેરાન થઈ ગયા હતા.

સવારના સમયે ગોળીબારો અવાજ સાંભળીને દોડાદોડી થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણકારી મળ્યાં બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. જોકે, તમામ લોકોનાં મોત થઈ ચુક્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી હત્યાકાંડ માટે વપરાયેલી રિવોલ્વર મળી આવી છે.

ચામરાજપેટના એસપી એચ.ડી. આનંદ કુમારે પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "ઓમ પ્રકાશે મોઢામાં ગોળી મારીને આપઘાત કરતા પહેલા પરિવારના તમામ સભ્યોના કપાળ પર ગોળી મારી હતી. પરિવારના કોઈ સભ્યએ પ્રતિકાર કર્યો હોવાના નિશાન મળ્યાં નથી એટલે આ હત્યાકાંડમાં પરિવારના સભ્યોની સહમતી હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે."
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर