Home /News /national-international /મોદીની બાયોપિક પર પ્રતિબંધ યથાવત્, મતદાન બાદ થશે રિલીઝ

મોદીની બાયોપિક પર પ્રતિબંધ યથાવત્, મતદાન બાદ થશે રિલીઝ

ફિલ્મમાં પીએમ મોદીનો રોલ અભિનેતા વિવેક ઓબેરોય કરી રહ્યો છે.

ચૂંટણી પંચનું માનવું છે કે જો ચૂંટણી દરમિયાન આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે તો એક ખાસ રાજકીય પક્ષને તેનો ખૂબ ફાયદો મળશે.

સુપ્રીમ કોર્ટે પીએમ મોદી પર બનેલી ફિલ્મને રિલીઝ કરવા પર ચૂંટણી પંચે મૂકેલા પ્રતિબંધને યથાવત્ રાખવાનો આદેશ કર્યો છે. ચૂંટણી પંચે આચાર સંહિતાનો ભંગ ગણાવીને ચૂંટણી સુધી મોદીની બાયોપિક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ દરમિયાન ચૂંટણી પંચે ફરીથી એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો તેનો નિર્ણય યોગ્ય અને કાયદેસર છે.

ચૂંટણી પંચનું માનવું છે કે જો ચૂંટણી દરમિયાન આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે તો એક ખાસ રાજકીય પક્ષને તેનો ખૂબ ફાયદો મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આને ધ્યાનમાં રાખના ચૂંટણી પંચનો નિર્ણય યોગ્ય છે કે 19મી મેના રોજ લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના વોટિંગ બાદ ફિલ્મને રિલીઝ કરવામાં આવે.

પીએમ મોદીની બાયોપિક 12મી એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી, વિરોધ બાદ ચૂંટણી પંચે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ચૂંટણી પંચે સોમવારે ફિલ્મ અંગે પોતાનો રિપોર્ટ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ચૂંટણી પંચની ટીમ માટે ફિલ્મનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન ચૂંટણી પંચના સાત લોકોએ પીએમ મોદીની ફિલ્મ જોઈ હતી. ફિલ્મ જોયા બાદ ચૂંટણી પંચે બંધ કવરમાં પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો.



સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને મંજૂરી આપ્યા બાદ ચૂંટણી પંચે પ્રતિબંધ મૂકી દેતા ફિલ્મ નિર્માતા આને લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
First published:

Tags: Chief justice, Ec, Modi Biopic, Ranjan gogoi, Supreme Court