કોલકાતા : પશ્ચિમ બંગાળની જાધવપુર યુનિવર્સિટીમાં બીજેપી નેતા તેમજ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો (Babul Supriyo) વિરુદ્ધ પ્રદર્શન અને હુમલાના કેસમાં નવો વણાંક આવ્યો છે. બાબુલ સુપ્રિયો (Babul Supriyo) હવે પોતાના પર હુમલો કરનાર વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નહીં કરે.
હકીકતમાં તેમણે આ નિર્મય હુમલો કરનાર વિદ્યાર્થીની માતાની ભાવુક અપીલ બાદ કર્યો છે. વિદ્યાર્થીની માતાએ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં વિદ્યાર્થીની માતાએ પોતાના કેન્સર પીડિત ગણાવી છે. વિદ્યાર્થીની માતાએ બાબુલ સુપ્રિઓને પોતાના દીકરા સામે ફરિયાદ ન કરવા અપીલ કરી છે.
વિદ્યાર્થીની માતાના વીડિયોને ટ્વિટ કરતા બાબુલ સુપ્રિયોએ જવાબ આપતા લખ્યું કે, "માસી, ચિંતા ન કરો. તમારા દીકરાને કોઈ નુકસાન નહીં પહોંચે. હું તેને ભૂલો પરથી શીખવવા માંગું છું. મેં કોઈ સામે ફરિયાદ દાખલ નથી કરી. હું કોઈને કંઈ નહીં થવા દઉં. તમે ચિંતા ન કરો. ઝડપથી સાજા થઈ જાઓ."
ગુરુવારે બાબુલ સુપ્રિયો પર હુમલો થયો હતો
બાબુલ સુપ્રિયો ગુરુવારે કોલકાતાની જાધવપુર યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતાં. અહીં ડાબેરી વિદ્યાર્થીઓએ તેમનો વિરોધ કર્યો હતો અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ ઘટના અંગે વીડિયો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓની ઓળખ જાહેર થઈ હતી. જે બાદમાં વિદ્યાર્થીની ધરપકડની માંગણી ઉઠી હતી.
સુપ્રિયોએ દાવો કર્યો કે ડાબેરી વિદ્યાર્થીઓએ તેમને થપ્પડ મારી હતી. તેમને ઘણા સમય સુધી બંધક બનાવીને રાખ્યા હતા. ઘટના બાદ બાબુલ સુપ્રિયોએ શુક્રવારે અનેક ટ્વિટ કર્યા હતાં.
એક ટ્વિટમાં તેમણે કહ્યુ કે, "આ કાયરોને જાધવપુર યુનિવર્સિટીની છબીને ખરડવા દેવામાં નહીં આવે. તેમને અમે શોધી કાઢીશું. ચિંતા ન કરો. તમારી સાથે એવું વર્તન નહીં કરીએ જેવું તમે મારી સાથે કર્યું હતું."