Home /News /national-international /

જાણો, શા માટે ચર્ચાનો મુદ્દો બની મ્યાનમારની લોકનેતા આંગ સાન સૂ કી

જાણો, શા માટે ચર્ચાનો મુદ્દો બની મ્યાનમારની લોકનેતા આંગ સાન સૂ કી

આંગ સાન સૂ કી મ્યાનમારના લોકપ્રિય નેતા (Public Leader) છે અને તેઓ દેશમાં દાયકાઓથી સૈન્ય સાશન વિરુદ્ધ લડાઇ આપી લોકતંત્ર (Democracy)ની માંગ કરી રહ્યા છે

aung san suu kyi - હાલ ભારતના પાડોશી દેશ મ્યાનમાર (Myanmar)ની સ્થિતિએ વિશ્વભરના દેશોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે

હાલ ભારતના પાડોશી દેશ મ્યાનમાર (Myanmar)ની સ્થિતિએ વિશ્વભરના દેશોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ દરમિયાન મીડિયામાં એક નામ ભારે ચર્ચામાં આવી રહ્યું છે, જે છે આંગ સાન સૂ કી (Aung San Suu Kyi). જેમને મ્યાનમારની સૈન્ય સરકારે 4 વર્ષની જેલની સજા ફટકારી દીધી છે. આંગ સાન સૂ કી મ્યાનમારના લોકપ્રિય નેતા (Public Leader) છે અને તેઓ દેશમાં દાયકાઓથી સૈન્ય સાશન વિરુદ્ધ લડાઇ આપી લોકતંત્ર (Democracy)ની માંગ કરી રહ્યા છે. છતાં અનેક વખત તેમના પર ડાઘ લાગ્યા છે.

કોણ છે આંગ સાન સૂ કી?

મ્યાનમારમાં લોકતંત્ર માટે અવાજ ઉઠાવનારી 76 વર્ષીય મહિલા નેતા આંગ સાન સૂ કીએ સૈન્ય શાસન વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમના પિતા આંગ સાનએ બર્માની આઝાદી માટે બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનીઓ સાથે હાથ મિલાવી લીધો હતો અને ત્યાર બાદ 1947માં બ્રિટનથી બર્માને આઝાદ કરવાની માંગ કરી હતી. તે જ વર્ષે તેમની હત્યા કરી દેવામાં આવી હતી. સૂ કીને તેમની માતાએ જ ઉછેરી હતી. સૂ કી બર્મી, અંગ્રેજી, ફ્રેન્ચ અને જાપાની ભાષા પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સૂ કી રહી ચૂકી છે નોબેલ પુરસ્કાર વિજેતા

1991માં આંગ સાન સૂ કીને આ સંઘર્ષ માટે શાંતિનો નોબેલ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે પણ તે નજરકેદ હતી. વર્ષ 2015માં તેમને મ્યાનમારમાં 25 વર્ષમાં પહેલી વખત થયેલી ચૂંટણીમાં નેશનલ લીગ ફોર ડેમોક્રેસી(NLD)નું નેતૃત્વ કરીને જીત મળી હતી. પરંતુ જીતવા છતાં તે દેશના બંધારણના કારણે રાષ્ટ્રપતિ ન બની શકી કારણ કે તેમના બાળકોની નાગરિકતા વિદેશી હતી. વર્ષ 2021માં સેનાના સત્તા પરીવર્તનના કારણે સૂ કીને દેશદ્રોહ અને કોવિડ નિયમોના ભંગ માટે દોષી જાહેર કરીને 4 વર્ષની જેલની સજા આપવામાં આવી છે.

આ પણ વાંચો - CDS Bipin Rawat Helicopter crash: દુર્ઘટના પછી પ્રત્યક્ષદર્શીનો CDS બિપિન રાવતને જોયા હોવાનો દાવો, કહ્યું- તે મારી પાસે પાણી માંગી રહ્યા હતા

સેનાએ છીનવ્યો મોંમાં આવેલો કોળીયો

સૂ કી શરૂઆતથી મ્યાનમારની જનતમાં સર્વોચ્ચ નેતા રહી છે. તેમનું પદ રાજ્ય સલાહકારનું હતું અને 2021ના સત્તા પરીવર્તન પહેલા રાષ્ટ્રપતિ વિન મ્યિંટ તેમના સૌથી નજદીકી સાથી રહ્યા હતા. વર્ષ 2020માં તેમની પાર્ટીએ જંગી બહુમતી મેળવી જે વર્ષ 2015થી પણ ખૂબ વધારે હતી. પરંતુ તાકાતવર સેનાએ ચૂંટણીમાં ગેરનીતિનો આરોપ લગાવ્યો અને સંસદના પહેલા જ દિવસે સેનાએ સૂ કીને અન્ય નેતાઓ સાથે કેદી કરી લીધા.

વર્ષો સુધી વિદેશમાં રહી સૂ કી

1960માં સૂ કી પોતાની માતા ડો. ખિન સાથે ભારત આવી, જેમને દિલ્હીમાં મ્યાનમારના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તે ઓક્સફોર્ડમાં ભણી અને તેમની મુલાકાત માઇકલ એરિસ સાથે થઈ, જેમની સાથે તેમણે લગ્ન કરી લીધા. ત્યાર બાદ તે જાપાન, ભૂટાન, યૂકેમાં પણ થોડો સમય રહી હતી. 1988માં પોતાની બિમાર માતાની દેખરેખ માટે તે યંગૂન પરત આવી. આ સમયે મ્યાનમારમાં રાજનૈતિક અસ્થિરતાનો માહોલ હતો.

અનેક વખત થઇ ધરપકડ

હજારો લોકોએ તે વર્ષે લોકતંત્રમાં પરીવર્તનની માંગ સાથે જનરલ ની વિન સામે કરેલા આંદોલનનું નેતૃત્વ સૂ કીએ સંભાળ્યું હતું. જોકે, તેમના શાંતિપૂર્ણ આંદોલનને દબાવી દેવામાં આવ્યુ અને તેમને ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યા. સૈન્ય સરકારે 1990માં ચૂંટણી કરાવી જેમાં સૂ કીની પાર્ટીને જીત મળી, પરંતુ સૈન્ય શાસને તેમને સત્તા ન સોંપી. ત્યારે બાદ તેઓની અનેક વખત ધરપકડ કરાઇ અને મુક્ત કરવામાં આવ્યા.

આ પણ વાંચો - પાકિસ્તાની સંગઠન ISI અને LTTE એ રચ્યું CDS હેલિકોપ્ટર ક્રેશનું ષડયંત્ર! રિટાયર્ડ બ્રિગેડિયરે વ્યક્ત કરી આશંકા

રોહિંગ્યાની સમસ્યા અંગે થઇ ટીકા

આંતરરાષ્ટ્રીય સ્તરે સૂ કીની છબી અનેક વખત ખરડાઇ ચૂકી છે. તેમની પાર્ટીના શાસન દરમિયાન મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમ સમુદાય તરફ તેમના વલણને લઇને વિશ્વભરમાં તેમની ટીકાઓ થઇ હતી. વર્ષ 2017માં સેનાના અત્યાચારોના કારણે લાખો રોહિંગ્યા પાડોશી બાંગ્લાદેશમાં શરણાર્થી બની ગયા હતા. મ્યાનમારમાં હજુ પણ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં નરસંહારનો કેસ ચાલી રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Aung san suu kyi, Democracy, મ્યાનમાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन