ઇન્દોર : કોરોના સંક્રમણ (Coronavirus Infection)ના આ દૌરમાં આપણા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરી રહેલા ડૉક્ટર્સ, સ્વાસ્થ્યકર્મી અને પોલીસકર્મીઓ સાથે ગેરવર્તનના (Attack on Health Workers) બનાવો ઓછું થવાના નામ નથી લઈ રહ્યા. ફરી એક વખત ઇન્દોર શહેરમાંથી આવા સમાચાર આવ્યા છે. અહીં ફરી એક વખત સ્વાસ્થ્ય વિભાગ (Health Department)ની ટીમ પર હુમલો થયો છે. આ વખતે એક બદમાશે હુમલો કર્યો છે. આ દરમિયાન તેણે ચાકૂ વડે ટીમ પર હુમલો કર્યો હતો, ટીમના બચાવમાં વચ્ચે પડેલા પાડોશીને ચાકૂ વાગ્યું હતું અને તે ઘાયલ થયો હતો. આ સાથે જ સ્વાસ્થ્યકર્મીના હાથ અને પગલમાં ઈજા પહોંચી હતી.
નશાની હાલતમાં હતો હુમલાખોર
ઇન્દોરના વિનોબા નગરમાં સર્વે કરી રહેલા ડૉક્ટર, ટીચર, પેરામેડિકલ અને આશા કાર્યકરો પર અચાનક પારસ નામના એક યુવકે હુમલો કરી દીધો હતો. આ દરમિયાન તે નશાની હાલતમાં હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે નશો વેચવાનું કામ કરે છે, હુમલા બાદ સ્થાનિક લોકોએ તેનો રોકવાનો પ્રયાસ કર્યો હતો, આ સમયે તે ચાકૂ લઈને લોકો પાછળ દોડ્યો હતો. હુમલામાં સ્વાસ્થ્યકર્મીની સાથે સાથે એક સ્થાનિક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો છે.
આ પહેલા ઇન્દોરના જ ટાટ પટ્ટી બાખલ વિસ્તારમાં જ સર્વે માટે ગયેલી ટીમ પર હુમલો કરાયો હતો. ટીમ આ વિસ્તારમાં પહોંચતા જ લોકોએ પથ્થરમારો કરી દીધો હતો. આ દરમિયાન આખા વિસ્તારમાં હંગામો થયો હતો. તણાવને કારણે આ વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ટાટ પટ્ટી બાખલ વિસ્તારમાં ગત દિવસોમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. આ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોના સ્ક્રિનિંગ માટે સ્વાસ્થ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી.
જોકે, આ દરમિયાન સ્વાસ્થ્ય વિભાગની ટીમને સહકાર આપવાને બદલે તેમના પર હુમલો કરાયો હતો. લોકો ધીમે ધીમે એકઠા થવા લાગ્યા હતા અને વાત પથ્થરમારા સુધી પહોંચી હતી. કોરોનાનું સંક્રમણ રોકવા માટે આ વિસ્તારને કેન્ટોમેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આડસો લગાવવામાં આવી હતી. જોકે, ગુસ્સે ભરાયેલા લોકોએ આડસો તોડી નાખી હતી.
લોકો ડૉક્ટરો પર થૂંક્યા હતા
જ્યારે શહેરના રાનીપુર વિસ્તારમાં થોડા દિવસ પહેલા તપાસ માટે ગયેલા ડૉક્ટરો પર સ્થાનિક લોકો થૂંક્યા હતા. જે બાદમાં ડૉક્ટરોએ આ અંગેની ફરિયાદ પોલીસને કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર