નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) વિરદ્ધની લડાઈને કેવી રીતે આગળ વધારવામાં આવે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની સોમવારે મહત્વની બેઠક મળી. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલી બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ તમામ મુખ્યમંત્રીઓને લૉકડાઉન (Lockdown)નું કડકાઈથી પાલન કરાવવા માટે અપીલ કરી છે. સૂત્રો મુજબ, તેઓએ કહ્યું કે સરકારે સાવધાનીપૂર્વક ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને થોડીક છૂટ આપી છે. પીએમ મોદીના ‘જાન ભી જહાન ભી’ના માર્ગદર્શન પર સૌ આગળ વધો. તેની સાથે જ તેઓએ કહ્યું કે, આ લડાઈ લાંબી છે અને ધૈર્યની સાથે લડવું પડશે.
વડાપ્રધાને કહ્યું, લૉકડાઉનની અસર જોવા મળી રહી છે
કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે દેશમાં 25 માર્ચથી બે ચરણમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના સંકટની શરૂઆત બાદ 22 માર્ચથી અત્યાર સુધી પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે ચાર વાર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરી ચૂકયા છે. પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે, આ આપણો ચોથો સંવાદ છે. વચ્ચે-વચ્ચે તમામ મુખ્યમંત્રીઓ સાથે વ્યક્તિગત રીતે વાત થતી રહે છે. આપણા સામૂહિક પ્રયાસોની કેટલેક અંશે સારી અસર જોવા મળી છે. લૉકડાઉનનો પ્રભાવ પડ્યો છે અને આપણને તેનો ફાયદો મળ્યો છે.
બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન ઉપરાંત વડાપ્રધાન કાર્યાલય અને અન્ય મંત્રાલયોના વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા.