નવી દિલ્હીઃ છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાર અને મધ્ય પ્રદેશમાં હાર-જીતની કગાર પર રહેલી બીજેપી પાર્ટીની ચૂંટણી અંગેની રણનીતિની હવે ખુદ તેમના જ સાંસદ ટીકા કરી રહ્યા છે. રાજ્ય સભાના બીજેપીના સાંસદ સંજય કાકડેએ દાવો કર્યો છે કે, રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીની જીત નિશ્ચિત હતી. પરંતુ મધ્ય પ્રદેશના જે પરિણામો આવી રહ્યાં છે તે ખરેખર ચોંકાવનારા છે.
"મને લાગે છે કે અમે નરેન્દ્ર મોદીએ 2014ના વર્ષમાં વિકાસનો જે મુદ્દો ઉપાડ્યો હતો તેને ભૂલી ગયા છીએ અને પ્રતિમાઓ રામ મંદિર અને શહેરોના નામ બદલવા પર જ અમારું ધ્યાન કેન્દ્રીત કરી દીધું છે." ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા સંજય કાકડેએ આવો દાવો કર્યો હતો.
સંજય કાકડે આરએસઆસ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની જમણેરી વિચારધારા ધરાવતી સંસ્થાઓ તરફથી પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષિત કરવા માટે રામ મંદિરના નિર્માણનો જે મુદ્દો ચગાવવામાં આવ્યો હતો તેના સંદર્ભે આ ટિપ્પણી કરી રહ્યા હતા. નોંધનીય છે કે ગુજરાતમાં રૂ. 3000 કરોડના ખર્ચે સરદાર પટેલની પ્રતિમા બનાવવામાં આવ્યા બાદ એક ચર્ચા એવી પણ જાગી હતી કે દેશમાં લાખો ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દબાયેલા છે ત્યારે આવી પ્રતિમા બનાવવાની શું જરૂર હતી?
આ પણ વાંચોઃ ભાજપની હાર બાદ શિવસેનાએ કહ્યું- જનતાએ પાઠ ભણાવ્યો, આત્મચિંતનની જરૂર
સંસદના ઉપલા ગૃહ રાજ્ય સભામાંથી બીજેપીના સાંસદ સંજય કાકડેએ ગત વર્ષે ગુજરાતની ચૂંટણી વખતે પણ બીજેપીનું પ્રદર્શન કંગાળ રહેશે તેવી આગાહી કરી હતી. જોકે, ગુજરાતમાં બીજેપીએ સારો દેખાવ કર્યા બાદ સાંસદે પોતાનું નિવેદન પરત ખેંચવું પડ્યું હતું.