આસામમાં ન્યૂઝ 18નાં પત્રકાર પર જીવલેણ હુમલો; 4ની ધરપકડ

આસામ ન્યૂઝ18નાંં પત્રકાર

પત્રકારોએ આ હુમલાની નિંદા કરી છે અને વખોડી કાઢી છે અને એવી માંગણી કરી છે કે, આરોપીઓને સખત સજા કરવામાં આવે.

  • Share this:
    આસામ: આસામમાં ન્યૂઝ18નાં પત્રકાર પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. આસામનાં ગણેશપુરી વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટનાં માલિક અને ત્યાંનાં કર્મચારીઓએ ન્યૂઝ18નાં પત્રકાર અને એન્કર પર હુમલો કર્યો હતો. હુમલો થયા બાદ પત્રકાર અને એન્કર એવા ચક્રપાણી પારાશરને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો પ્રમાણે તેમની હાલત સ્થિર છે.

    વાત એમ છે કે, પત્રકાર અને એન્કર ચક્રપાણીએ એક અહેવાલ તૈયાર કર્યો હતો જેમાં આ રેસ્ટોરેન્ટનાં કર્મચારીઓએ એક સિક્યોરિટી ગાર્ડની પાછળ ધોળા દિવસે ચાકૂ લઇને પડ્યા હતા. આ અહેવાલ પ્રગટ થવાથી રેસ્ટોરન્ટનાં માલિક અને તેના કર્મચારીઓ નારાજ થયા હતા અને ગુસ્સે ભરાયા હતા અને અહેવાલ પ્રકાશિત કરવા બદલ પત્રકારને તેમણે ધમકી પણ આપી હતી. આ સમયે ગઇકાલે રાત્રે આ હરામખોરોએ પત્રકાર પર જીવલેણ હુમલો પણ કર્યો.

    પત્રકાર પર હુમલો કરવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ દ્રશ્યોમાં જણાય છે કે, બદમાશો પત્રકારને ઢસડે છે અને તેના પેટ અને ઘૂંણટ પર ચાકૂનાં ઘા મારે છે. આ સિવાય, રસોઇ ગેસનાં સિલિન્ડરને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

    પત્રકાર પરનાં આ ઘાતકી હુમલાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઇ ગઇ હતી અને પોલીસ હરકતમાં આવી ગઇ હતી. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં રેસ્ટોરન્ટનો માલિક સૈયદ અલી, તેનો ભાઇ નીરજ અહમદ અને રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓ-નિતિન શર્મા અને ભાવેશ દાસનો સમાવેશ થાય છે.

    આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, રેસ્ટોરન્ટનો માલિક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પહેલા પણ તે એક અધિકારીને ધમકી આપવાનાં કેસમાં જેલ જઇ આવ્યો છે. દોઢ વર્ષ પહેલા તે ઉત્તરપ્રદેશથી આસામમાં આવ્યો હતો. તેની સામે ઘણી પોલીસ ફરિયાદો થયેલી છે.

    આસામનાં પત્રકારોએ આ હુમલાની નિંદા કરી છે અને વખોડી કાઢી છે અને એવી માંગણી કરી છે કે, આરોપીઓને સખત સજા કરવામાં આવે. આસામનાં વિરોધ પક્ષોએ પણ આ હુમલાની નિંદા કરી છે અને પત્રકારોની સુરક્ષા મામલે સવાલો ઉઠાવ્યા છે.
    Published by:Vijaysinh Parmar
    First published: