દેશના સૌથી લાંબા રેલરોડ બ્રિજ પરનો અકસ્માત કેમેરામાં કેદ, બાળકની સ્થિતિ નાજુક

25 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ આસામમાં સૌથી લાંબા રેલરોડ બોગીબીલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું

25 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ આસામમાં સૌથી લાંબા રેલરોડ બોગીબીલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: 25 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ આસામમાં સૌથી લાંબા રેલરોડ બોગીબીલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ આ ઉદ્ઘાટનના ત્રીજા જ દિવસે બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં એક માસૂમ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બ્રિજ ઉપર પસાર થઈ રહેલી કારની સામે એક બાળક અચાનક જ આવી જાય છે અને તેની સાથે અકસ્માત થાય છે. મળતા અહેવાલો મુજબ, બાળકનું નામ સૌરભ મોરન છે અને તેની ઉંમર 7 વર્ષની છે. ઘાયલ બાળકને તાત્કાલિક ડિબરુગઢની આસામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

  શું દેખાઈ રહ્યું છે વીડિયોમાં?
  બ્રિજ ઉપર એક કાર પસાર થઈ રહી છે જેની અંદર કેમેરાથી બોગીબીલના રસ્તાને શૂટ કરવામાં આવી રહ્યું છે. કાર પસાર થઈ રહી હોય છે ત્યારે અચાનક જ એક બાળક દોડતું રસ્તા વચ્ચે આવી જાય છે અને તેને આ કારની ટક્કર વાગે છે. ટક્કર વાગતાં જ કાર ડ્રાઇવર બ્રેક મારી તેને ઊભી રાખી દે છે. વીડિયો જોતાં એવું લાગી રહ્યું છે કે અન્ય લોકોની જેમ જ બાળક અને તેનો પરિવાર બ્રિજ જોવા ઊભા રહ્યા છે અને બાળક ઉત્સુક્તાથી રસ્તાની બીજી બાજુ બ્રિજ જોવા દોડે છે અને તે અકસ્માતનો શિકાર બની જાય છે.

  બ્રિજ બન્યાને ત્રણ દિવસ અને બે અકસ્માત
  ઉલ્લેખનીય છે કે, બોગીબીલ બ્રિજ ઉપર ત્રણ દિવસમાં આ બીજો અકસ્માત છે. ઉદ્ઘાટનનના દિવસે જ બે કાર સામ-સામે ટકરાઈ ગયા હતા. બંને કાર ચાલકોએ કન્ટ્રોલ ગુમાવતા આ અકસ્માત થયો હતો.

  બોગીબીલ બ્રિજ કેમ છે મહત્વપૂર્ણ?
  વડાપ્રધાન મોદીએ મંગળવારે આસામના બોગીબીલ બ્રિજને ખુલ્લો મૂક્યો હતો. આ બ્રિજનું ખાતમુહૂર્ત વર્ષ 1997માં કરવામાં આવ્યું હતું. આ ડબલ ડેકર બ્રિજ છે. એટલે કે એક જ બ્રિજમાં ઉપર-નીચે રેલવે અને વાહનો ચાલશે. બ્રહ્મપુત્રા નદી પર બાંધવામાં આવેલો ભારતનો આ સૌથી લાંબો રેલરોડ બ્રિજ છે. બોગોબીલ બ્રિજ આસામના બે જિલ્લા દિબ્રુગઢ અને ધેમાજીને જોડે છે. આ બ્રિજને કારણે વાહન ચાલકોનો આશરે ચાર કલાક જેટલો સમય બચશે, તેમજ 170 કિલોમીટરનું અંતર ઓછું કાપવું પડશે. અહીંથી ચીનની સરહદ નજીક થતી હોવાથી આ બ્રિજ વ્યુહાત્મક રીતે પણ ભારતીય સૈન્યને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ બ્રિજને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે જેનાથી તેના પર સૈન્ય ટેન્ક ચલાવી શકાય તેમજ ફાઇટર જેટનું લેન્ડિંગ પણ કરી શકાય છે.
  Published by:Mrunal Bhojak
  First published: