જોધપુરની વિશેષ કોર્ટે બુધવારે બળાત્કાર કેસમાં આસારામ બાપુને દોષિત ઠેરવ્યા છે. 2013ના આ કેસમાં આસારામ ઉપરાંત બે અન્ય લોકો પણ દોષિત જાહેર થયા છે. આ બે લોકોમાં આસારામની સહયોગી શિલ્પીનો પણ સમાવેશ થાય છે. આ એ જ શિલ્પી છે જેણે પીડિત પરિવારના મનમાં એવું ઠસાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેના પર ખરાબ આત્માનો પડછાયો છે. શિલ્પીના સમજાવવા પર જ પીડિતના પરિવારજનોએ તેને જોધપુર આશ્રમમાં મોકલી હતી. બાદમાં આ જ સગીરાએ આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
શિલ્પી મધ્ય પ્રદેશના છિંદવાડા આશ્રમની વોર્ડન હતી. કોલ ડિટેલ્સ રિપોર્ટમાં એવો ખુલાસો થયો હતો કે શિલ્પી સતત આસારામ અને પીડિત પરિવારના સંપર્કમાં હતી. સગીરા પર બળાત્કારના એક અઠવાડિયા પહેલા શિલ્પી અને આસારામ વચ્ચે વાતચીતનો દૌર વધી ગયો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે શિલ્પી યુવતીઓનું બ્રેઇનવોશ કરીને તેને આસારામ પાસે મોકલતી હતી.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે શિલ્પી અને આશ્રમનો મધ્યસ્થી શિવા એ દિવસે આશ્રમમાં જ હતા, જ્યારે સગીરા પર બળાત્કાર થયો હતો.
કોણ છે શિલ્પી?
રિપોર્ટ્સ પ્રમાણે શિલ્પીનું સાચું નામ સંચિતા છે. તેનો આખો પરિવાર આશ્રમમાં સેવા કરે છે. પરિવાર જ તેને આશ્રમમાં લઈ જતો હતો.
સાઇકોલોજીમાં માસ્ટર ડિગ્રી ધરાવતી શિલ્પી 2005માં અમદાવાદ આશ્રમમાં આવી હતી. 2012માં તેણે તેના પરિવારને કહ્યું હતું કે તેને આશ્રમનું જીવન સારું લાગી રહ્યું છે. સરન્ડર વખતે એવી પણ ચર્ચા થઈ હતી કે શિલ્પી આસારામની પુત્રી છે. જોકે, આ વાતની પુષ્ટિ નથી થઈ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર