બુધવારે ભારતીય સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) 9 માર્ચે અજાણતાં મિસાઈલ (Missile) દુર્ઘટના વિશે જણાવ્યું હતું કે, નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ ખામીને કારણે તે ફાયર થઇ ગઇ હતી. આ અંગે તપાસ ચાલુ છે. આ નિવેદન બાદ ગુરુવારે અમેરિકી સમાચાર એજન્સી બ્લૂમબર્ગે અજ્ઞાત સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે મિસાઈલ પડતાની સાથે જ પાકિસ્તાને (Pakistan) ભારત પર જવાબી કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી હતી. જો કે તેણે હુમલો નહોતો કર્યો પરંતુ મિસાઈલ છોડવાની પૂરી તૈયારી કરી લીધી હતી.
બ્લૂમબર્ગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને જવાબી હુમલાની તૈયારી કર્યા બાદ હુમલો કર્યો નથી. કેટલાક પાક અધિકારીઓને શરૂઆતના આંકલનથી ખબર પડી હતી કે કંઈક ખોટું થયું છે અને ભૂલના કારણે મિસાઈલ છોડવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર ભારતીય વાયુસેનાએ દિલ્હીથી લગભગ 200 કિલોમીટર દૂર હરિયાણાના અંબાલાથી બ્રહ્મોસ મધ્યમ રેન્જની ક્રૂઝ મિસાઇલ છોડી હતી, જે પાકિસ્તાનના મિયાં ચન્નુ વિસ્તારમાં પડી હતી. મિસાઈલથી કેટલીક રહેણાંક મિલકતોને નુકસાન થયું હતું પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાનને માહિતી આપવા માટે બંને પક્ષોના ટોચના સૈન્ય કમાન્ડરો વચ્ચે સીધી હોટલાઇનનો ઉપયોગ કર્યો નથી. તેના બદલે વાયુસેનાના અધિકારીએ તરત જ મિસાઈલ સિસ્ટમ બંધ કરી દીધી જેથી તેમાંથી વધુ મિસાઈલ ફાયર ન થાય. રક્ષા મંત્રીના નિવેદન બાદ ભારતીય વાયુસેના અને રક્ષા મંત્રાલયે આ અંગે અલગથી નિવેદન આપ્યું નથી.
ત્યાં જ પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે ગયા સપ્તાહના અંતે પત્રકારોને જણાવ્યું હતું કે, પાકિસ્તાન વાયુસેના અનુસાર તેણે હરિયાણાના સિરસાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાં ચન્નુ શહેરમાં મિસાઇલના લેંડીંગ સ્થળ સુધી મિસાઇલના ફ્લાઇટ પાથને ટ્રેક કર્યો હતો. ભારત સરકારે કહ્યું હતું કે આકસ્મિક ગોળીબાર 'રૂટિન મેન્ટેનન્સ દરમિયાન ટેકનિકલ ખામી'ના કારણે થયો હતો. સંસદમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકાર આ ઘટના બાદ ઓપરેશન, મેઈન્ટેનન્સ અને ઈન્સ્પેક્શન માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની સમીક્ષા કરી રહી છે. તેમણે કહ્યું, "ભારત તેની મિસાઈલ સિસ્ટમની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને તપાસમાં જે પણ ભૂલો સામે આવશે તેને દૂર કરવામાં આવશે."
અમેરિકાએ આ મામલામાં ભારતનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે મિસાઈલ ફાયરિંગ ભૂલ સિવાય બીજું કંઈ હોવાના કોઈ સંકેત નથી. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે અમારી પાસે કોઈ સંકેત નથી કારણ કે તમે અમારા ભારતીય ભાગીદારો પાસેથી પણ સાંભળ્યું છે કે તે એક અકસ્માત ઘટના સિવાય બીજું કંઈ નથી. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલામાં સૈનિકો માર્યા ગયા ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો 2019 થી ઐતિહાસિક નીચલા સ્તરે છે. ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલા કરીને જવાબ આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર