નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુરૂવારે તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)ના મુદ્દા પર થશે. મુલાકાત પહેલા અટકળોનું બજાર ગરમ છે. એ બાબતની અલગ-અલગ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જમ્મુ-કાશ્મીરને હવે શું મળશે? જમ્મુ-કાશ્મીર માટે લેવામાં આવી રહેલા નિર્ણયોની તૈયારીમાં સામેલ અધિકારીઓ પૈકી એકે CNN-News18ને જણાવ્યું કે, ‘વડાપ્રધાનના નિર્ણયને પ્રક્રિયાની શરૂઆત તરીકે જોવામાં આવશે.’ અધિકારીએ કહ્યું કે, ‘5 ઓગસ્ટ 2019 બાદ કાશ્મીર ઘાટી રાજકીય રીતે અસ્થિર છે. વડાપ્રધાન લોકતાંત્રિક રાજકીય પ્રક્રિયાનું સમર્થન કરનારાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરશે. તેમને અલગતાવાદીઓએ પરેશાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.’
જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2018થી રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. આ જ વર્ષે બીજપીએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ની સાથે ગઠબંધન તોડી દીધું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2019માં બંધારણના આર્ટિક 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને સમાપ્ત કરી દીધું અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું.
J&Kમાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાની સ્થિતિ નિયંત્રણમાં
અધિકારીએ જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાની સ્થિતિ નિયંત્રણમાં છે. તેથી લોકતાંત્રિક પ્રક્રિયા પૂર્વવત કરવા પર ભાર આપવાનો આ યોગ્ય સમય છે. અધિકારીએ કહ્યું કે જો સરકાર અને ચૂંટણી પંચ નિર્ણય કરે છે તો તેઓ ચૂંટણી યોજવામાં મદદ કરવાની સ્થિતિમાં હશે.
પૂર્ણ રાજ્ય બનાવવાના સવાલ પર સરકારી અધિકારીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને તેમની સરકાર જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ તે ક્યારે થશે, તેની કોઈ સમયસીમા હજુ નક્કી નથી. અધિકારી મુજબ, પ્રક્રિયાનું પાલન કરવું પડશે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમમાં જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો. જો હાલના અધિનિયમમાં સંશોધન કરવું હશે તો સંસદની મંજૂરી જરૂરી છે.
જમ્મુ-કાશ્મીરના ભવિષ્યને લઈને કેન્ર્પનો કોઈ પણ નિર્ણય સીમાંકન આયોગના રિપોર્ટ પર નિર્ભર રહેશે. રાજ્યમાં મતદારક્ષેત્રોના સીમાંકન માટે 6 માર્ચ, 2020ના રોજ રચવામાં આવેલી પેનલને આ વર્ષે માર્ચ મહિનામાં વિસ્તાર આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત જજ રંજન પ્રકાશ દેસાઈએ 20 જિલ્લા ડીસીને પત્ર લખીને ભૌગોલિક અને વસ્તીને ધ્યાને લઈ વિગતવાર રિપોર્ટ માંગ્યા છે.