આર્ટિકલ 370 અને 35A જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે બાધારૂપ છે : PM મોદી

પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટવર્ક 18ના મુખ્ય સંપાદક રાહુલ જોશીને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે કાશ્મીરની સમસ્યા ખૂબ જ જૂની છે

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં રજૂ કરેલા 'સંકલ્પ પત્ર'માં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35A હટાવવા પર પોતાની પ્રતિબદ્ધતા બતાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટવર્ક 18ના મુખ્ય સંપાદક રાહુલ જોશીને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે કાશ્મીરની સમસ્યા ખૂબ જ જૂની છે. જ્યાં સુધી આ બંને કલમ હટાવવામાં નહીં આવે ત્યાં વિકાસ કરવો મુશ્કેલ છે. પહેલાની સરકારે જમ્મુ-કાશ્મીરની સમસ્યા અંગે આંખ આડા કાન કર્યાં હતા, પરંતુ હવે સમય આવી ગયો છે કે તેનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી એકથી એક ટોપર્સ બહાર આવી રહ્યા છે. આજે હિન્દુસ્તાનની ટોચની યુનિવર્સિટીઓમાં કોઈને કોઈ કાશ્મીરી અભ્યાસ કરે છે. ત્યાં વિકાસ માટે બજેટમાં ક્યારેય ઉણપ નથી આવી. એવામાં કાશ્મીરને લઈને ફક્ત જોવાની દ્રષ્ટી બદલવાની જરૂર છે.

  આઈઆઈએમ બને તો કોઈ પ્રોફેસર જવા તૈયાર નથી

  પીએમ મોદીએ ઉદાહરણ આપતા જણાવ્યુ કે, ત્યાં તમે આઈઆઈએમ બનાવો પરંતુ કોઈ પ્રોફેસર જવા માટે તૈયાર નથી. કારણ કે પ્રોફેસર અહીં જશે તો તેના બાળકોને એડમિશન લેવા અંગે કાયદો નડશે. તેને મકાન જોઈતું હશે તે કાયદો નડશે. આ કાયદાને કારણે જમ્મુ-કાશ્મીરના લોકોને ખૂબ નુક્સાન થયું છે. પંડિત જવાહરલાલ નેહરુ જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે અમુક એવા નિયમ બનાવીને ગયા છે, જે ખૂબ સમસ્યા ઉભી કરી રહ્યા છે. તેમણે એક વખત વિચાર કરવાની જરૂર હતી.

  કાશ્મીરની સમસ્યા ત્યાંના અમુક રાજનીતિક પરિવાર

  મોદીએ કાશ્મીરની સમસ્યા માટે ત્યાંના અમુક રાજનીતિક પરિવારોને દોષી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ત્યાંની સમસ્યા કાશ્મીરના મૂળમાં બેસેલા અમુક રાજનીતિક પરિવાર છે. આટલા વર્ષો સુધી આ જ પરિવારોએ મલાઈ ખાધી છે. આ પરિવારો કાશ્મીરના સામાન્ય લોકોને કોઈ પણ ફાયદો પહોંચવા દેતા નથી. આ લોકો રાજકીય મુદ્દાઓને લોકોની ભાવનાઓ સાથે જોડીને શાસન કરતા રહ્યાં છે. ઘાટીના લોકો આવા લોકોથી મુક્તિ ઇચ્છી રહ્યા છે જેમના પરિવારોએ અહીં 50 વર્ષથી કબજો જમાવી રાખ્યો છે. આથી હવે કાશ્મીરના લોકો જ પરિવર્તન ઈચ્છી રહ્યા છે, પછી તે આર્ટિક 35Aનો મામલો હોય કે પછી આર્ટિકલ 370નો.


  (વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પૂરો ઇન્ટરવ્યૂ ન્યૂઝ18 ગુજરાતી સહિત નેટવર્ક18ની તમામ ચેનલો પર મંગળવાર સાંજે 7 વાગ્યે અને રાત્રે 10 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.)  Published by:Vinod Zankhaliya
  First published: