Home /News /national-international /હિન્દુ-વિરોધી કટ્ટરતા સામે અમેરિકન રાજ્યમાં પસાર થયો ઠરાવ, ઇતિહાસમાં પહેલી વખત બન્યું આવુ
હિન્દુ-વિરોધી કટ્ટરતા સામે અમેરિકન રાજ્યમાં પસાર થયો ઠરાવ, ઇતિહાસમાં પહેલી વખત બન્યું આવુ
hindu fobia Resolution georgia
GEORGIA ANTI HINDU PHOBIA BILL: અમેરિકન રાજ્ય જ્યોર્જિયામાં હિન્દુફોબિયા અને હિન્દુ-વિરોધી કટ્ટરતાને વખોડી કાઢતા ઠરાવમાં જણાવાયું છે કે હિંદુ ધર્મ એ વિશ્વનો સૌથી મોટો અને સૌથી જૂનો ધર્મ છે.
અમેરિકાના જ્યોર્જિયાની એસેમ્બલીએ હિન્દુફોબિયાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો છે. આવું કરનારું તે અમેરિકાનું પહેલું રાજ્ય બન્યું છે. હિન્દુફોબિયા અને હિન્દુ-વિરોધી કટ્ટરતાને વખોડી કાઢતા ઠરાવમાં જણાવાયું છે કે હિંદુ ધર્મ એ વિશ્વનો સૌથી મોટો અને સૌથી જૂનો ધર્મ છે. આ ધર્મના 100થી વધુ દેશોમાં 1.2 અબજથી વધુ અનુયાયીઓ છે. તેમાં વિવિધ પરંપરાઓ અને માન્યતા પ્રણાલીઓનો સમાવેશ થાય છે. જેમાં પારસ્પરિક આદર અને શાંતિનાં મૂલ્યો સામેલ છે
ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ એટલાન્ટાના પરા વિસ્તારમાં ફોર્સિથ કાઉન્ટીના પ્રતિનિધિઓ લોરેન મેકડોનાલ્ડ અને ટોડ જોન્સ દ્વારા આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યોર્જિયામાં એટલાન્ટા અમેરિકામાં વસતા સૌથી મોટા ભારતીય-અમેરિકન સમુદાયનું ઘર છે
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન-હિન્દુ સમુદાયે મેડિસિન, સાયન્સ અને એન્જિનિયરિંગ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, હોસ્પિટાલિટી, ફાઇનાન્સ, એકેડેમિક, મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં મોટો ફાળો આપ્યો છે. તેમજ કલા, સંગીત, ખોરાક અને યોગમાં તેમના યોગદાનથી અમેરિકન-હિન્દુ સમુદાયે સાંસ્કૃતિક પાસાને સમૃદ્ધ બનાવ્યું છે.
આ ઠરાવમાં ખાસ કરીને શિક્ષણવિદોના વર્ગ પર પ્રહાર કરવામાં આવ્યો હતો. આ વર્ગ કથિત રીતે હિન્દુ ધર્મનો નાશ કરવા હિન પ્રયાસ કરે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી હિન્દુફોબિયાના દસ્તાવેજી પુરાવા નોંધવામાં આવ્યા બાદ આ પ્રસ્તાવ લવાયો હતો.
આ ઠરાવ જ્યોર્જિયા સ્ટેટ કેપિટોલ ખાતે 22 માર્ચના રોજ આયોજિત પ્રથમ 'હિન્દુ એડવોકેસી ડે' ની રાહ પર આવ્યો છે. તેનું આયોજન કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (COHNA)ના એટલાન્ટા ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 25 ધારાશાસ્ત્રીઓ - રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંનેએ ભાગ લીધો હતો અને તેમણે રાજ્ય સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયામાં હિન્દુ અવાજોને સામેલ કરવાનું અને કોઈપણ પ્રકારના ભેદભાવ સામે હિન્દુ સમુદાયનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું.
CoHNAના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ મેનને જણાવ્યું હતું કે, રેપ મેકડોનાલ્ડ અને રેપ જોન્સ તેમજ અન્ય ધારાશાસ્ત્રીઓ સાથે કામ કરવું એ ખરેખર સન્માનની વાત હતી. તેમણે આ કાઉન્ટી રિઝોલ્યુશન પસાર કરાવવાની સમગ્ર પ્રક્રિયામાં અમને માર્ગદર્શન આપ્યું હતું.
CoHNAના જનરલ સેક્રેટરી શોભા સ્વામીએ હિન્દુઓ પરના આક્ષેપો અંગે જાણકારી આપી હતી. તેમણે અમેરિકામાં હિન્દુઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.તેમણે કહ્યું, અમે આ પ્રકારની કટ્ટરતાનો સામનો કરવામાં તેમની મદદની વિનંતી કરી છે. આ કટ્ટરતા નફરતને જન્મ આપે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હિન્દુઓ અને ભારતીય મૂળના લોકો સાથે ભેદભાવ સામે વિશેષ કાયદા અને રક્ષણની જરૂર છે
અહીં ઉલ્લેખનીય છે કે, અમેરિકાના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દાયકાઓથી હિન્દુ-અમેરિકનો સામે નફરતભર્યું વાતાવરણ ઉભુ કરાયું છે. ત્યારે જ્યોર્જિયામાં હિન્દુફોબિયાની નિંદા કરતા ઠરાવના કારણે રાહત થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર