Home /News /national-international /Ankita Murder Case Jharkhand: અંકિતાનો અંતિમ વીડિયો સામે આવ્યો, કહ્યું, ‘જેવી રીતે હું મરી, તેવી રીતે એને મારજો’
Ankita Murder Case Jharkhand: અંકિતાનો અંતિમ વીડિયો સામે આવ્યો, કહ્યું, ‘જેવી રીતે હું મરી, તેવી રીતે એને મારજો’
અંકિતાનો અંતિમ વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે સમગ્ર આપવીતી જણાવી છે - તસવીરમાં ડાબે મૃતક અંકિતા અને જમણે આરોપી શાહરુખ
Ankita Murder Case Jharkhand: ઝારખંડના દુમકાની અંકિતા સિંહ કે જેને પેટ્રોલ નાંખી જીવતી સળગાવી દેવામાં આવી હતી તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં અંકિતા તેની સાથે થયેલી ઘટના વિશે કહી રહી છે.
રાંચીઃ ઝારખંડ સહિત સમગ્ર દેશમાં દુમકાની દીકરી અંકિતાના મોત પર આક્રોશ દેખાઈ રહ્યો છે. દેશભરના લોકો અંકિતા સાથે બનેલી ઘટનાથી ગુસ્સામાં છે. ત્યારે તમામ લોકો એકસાથે આરોપી માટે ફાંસીની સજાની માગ કરી રહ્યા છે. તો બીજી તરફ, 12મા ધોરણમાં ભણતી અંકિતાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેની સાથે થયેલી ઘટના વિશે તે જણાવી રહી છે. વીડિયોમાં અંકિતા કહી રહી છે કે, આરોપી શાહરુખ પાંચ વાગ્યે પેટ્રોલ લઈને મને મારવા ઘરે આવ્યો હતો.
10-15 દિવસથી મને પરેશાન કરતો હતોઃ અંકિતા
વીડિયોમાં અંકિતા સમગ્ર ઘટના વિશે જાણકારી આપતા કહે છે કે, સોમવારે રાતે મેં પપ્પાને શાહરુખ વિશે કહ્યુ હતુ. ત્યારે પપ્પાએ કહ્યુ, સવારે જોઈ લઈશું. પરંતુ સવારે તે (શાહરુખ) બારીમાંથી મારા પર પેટ્રોલ છાંટી અને સળગાવીને ભાગી ગયો. શાહરુખની સાથે તેનો દોસ્ત છોટુ ખાન પણ હતો. મેં તે બંનેને ભાગતા જોયા છે. હું માત્ર એટલું જ જોઈ શકી હતી કે, બ્લૂ ટિશર્ટ પહેરીને હાથમાં પેટ્રોલનું કેન લઈને શાહરુખ ભાગી રહ્યો હતો. આ તે જ શાહરુખ હતો જે મને છેલ્લા 10થી 15 દિવસથી મને હેરાન-પરેશાન કરતો હતો. આખી શેરીમાં તે અસામાજિક તત્વ તરીકે જાણીતો જ હતો. તેનું કામ માત્ર છોકરીઓને પટાવીને તેને આમ-તેમ ફેરવવાનું હતું.’
‘વારંવાર ફોન કરી દોસ્તી કરવા દબાણ કરતો હતો’
વધુમાં અંકિતા જણાવે છે કે, ‘છેલ્લા 10-15 દિવસથી તે મારો પીછો કરી રહ્યો હતો. જ્યારે હું શાળાએ કે ટ્યુશને જતી હતી ત્યારે મારી પાછળ પાછળ આવતો. જો કે, મેં તેની આ હરકતોને બહુ ગંભીરતાથી લીધી નહોતી. તે ગમે ત્યાંથી મારો મોબાઈલ નંબર લઈ આવ્યો. ત્યારબાદ મને ફોન કરીને વારંવાર દોસ્તી કરવા માટે દબાણ કરતો હતો. શાહરુખે મને ધમકી આપી હતી કે તેની વાત નહીં માને તો મારા પરિવારના સભ્યોને મારી નાંખશે. મને તેની હરકતો વિશે જાણ તો હતી જ. પરંતુ મને નહોતી ખબર કે મારી સાથે આવું કરશે.’
22 ઓગસ્ટની રાતે મને ધમકી મળી હતી કે જો હું તેની (શાહરુખ)ની વાત નહીં માનું તો મને મારી નાંખશે. મેં પપ્પાને આ વિશે જાણ કરી હતી, પરંતુ તેમણે કહ્યુ હતુ કે સવારે આ મામલે કંઇક કરીશું. હજુ સુધી તો અમે આ સમસ્યાનો કંઈક નિકાલ કરીએ તે પહેલાં જ 23મી ઓગસ્ટે સવારે શાહરુખે મારા પર પેટ્રોલ છાંટી, મને સળગાવી દીધી.
ગઈકાલે અંકિતાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. 12મા ધોરણની વિદ્યાર્થિની અંકિતાના પાર્થિવ દેહને દાદાએ મુખાગ્નિ આપી હતી. અંકિતાની સ્મશાનયાત્રામાં દુમકાથી સાંસદ સુનીલ સોરેન, ઉપવિકાસ આયુક્ત કર્ણ સત્યાર્થી, ડીએસપી વિજય કુમાર સહિત કેટલાંક પ્રશાસનના અધિકારીઓ અને હિન્દુ સમર્થિત અલગ અલગ સંગઠનના કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો સામેલ થઈ ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર