અમૂલ બ્રાન્ડનું સંચાલન કરતી કંપની ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના એમડી આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે, ‘કંપનીનો નજીકના ભવિષ્યમાં દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના નથી.’
નવી દિલ્હીઃ અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધનું માર્કેટિંગ કરતી સંસ્થા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની નજીકના ભવિષ્યમાં દેશમાં દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના નથી. તેવું મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું છે. GCMMF મુખ્યત્વે ગુજરાત, દિલ્હી-NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારોમાં દૂધનું વેચાણ કરે છે. આ સહકારી સંસ્થા દરરોજ 150 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે. તેમાંથી લગભગ 40 લાખ લિટર દૂધ દિલ્હી-એનસીઆરમાં વેચાય છે.
મધર ડેરીએ થોડા સમય પહેલાં ભાવ વધાર્યો હતો
આ અઠવાડિયાની શરૂઆતમાં મધર ડેરીએ કરેલા ભાવવધારાને લઈને દિલ્હી-એનસીઆર માર્કેટમાં ફુલ-ક્રીમ દૂધના ભાવમાં લિટર દીઠ 1 રૂપિયો અને ટોકન દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો.
મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યા પછી GCMMF પાસે દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના છે કે કેમ?, તે અંગે પૂછવામાં આવતાં સોઢીએ કહ્યુ હતુ કે, ‘નજીકના ભવિષ્યમાં કોઈ યોજના નથી. ઓક્ટોબરમાં છેલ્લી છૂટક કિંમતમાં વધારો થયો ત્યાર પછી વધારો કરવામાં આવ્યો નથી.’
ઓક્ટોબરમાં બીજા અઠવાડિયામાં GCMMFએ અમૂલ ગોલ્ડ (ફુલ-ક્રીમ) અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ગુજરાત રાજ્ય સિવાય અન્ય તમામ બજારોમાં આ નવો ભાવ લાગુ કરવામાં આવ્યો હતો. ભાવમાં આ વધારા બાદ અમૂલ ગોલ્ડની કિંમત 61 રૂપિયાથી વધારીને 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. જ્યારે ભેંસના દૂધની કિંમત 63 રૂપિયાથી વધારીને 65 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી.
મધર ડેરીએ દૂધના ભાવમાં 4 વાર તો અમૂલે 3 વાર વર્ષમાં ભાવવધારો કર્યો
GCMMFએ આ વર્ષે 3 વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે, જ્યારે મધર ડેરીએ 4 વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં 30 લાખ લિટર પ્રતિ દિવસના વેચાણની માત્રા સાથે અગ્રણી દૂધ સપ્લાયર પૈકીની એક કંપની છે. વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક ભારતમાં થાય છે. અહીં દૂધનું ઉત્પાદન વાર્ષિક આશરે 210 મિલિયન ટન છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર