Home /News /national-international /

દિલ્હીમાં દૂધના નમૂના લેવાયાં, અમૂલ, મધર ડેરીનું દૂધ નબળી ગુણવત્તાનું

દિલ્હીમાં દૂધના નમૂના લેવાયાં, અમૂલ, મધર ડેરીનું દૂધ નબળી ગુણવત્તાનું

  • PTI
  • Last Updated :
દિલ્હીમાં અમૂલ, મધર ડેરી અને કેટલી પ્રાઇવેટ ડેરીઓના દૂધના નમૂના લઇ તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. દિલ્હી સરકારના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના દાવા પ્રમાણે, અમૂલ અને મધર ડેરીના દૂધના નમૂના ગુણવત્તાનાં માપદંડમાં નાપાસ થયા છે અને દૂધ હલકી ગુણવત્તાનું નીકળ્યું છે. ગુણવત્તાની બાબત જો યોગ્ય ધોરણ નહીં જળવાય તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

જૈને કહ્યું કે, કુલ 165 દૂધના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં મોટી બ્રાન્ડ જેવી કે અમૂલ અને મધર ડેરીનો પણ સમાવેશ થાય છે. આ 165 નમૂનાંઓમાંથી 21 નમૂનાઓ ફેલ થયા છે એટલે કે આ દૂધ હલકી ગુણવત્તાનું જાણવા મળ્યું છે. દિલ્હીમાં દૂધની ગુણવત્તા ચકાસવા માટે એક વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

સત્યેન્દ્ર જૈને વિશેષમાં ઉમેર્યું કે, “તેમણે સ્થાનિક રીતે વેચાતા ત્રણ ઘીના નમૂના પણ લીધા હતા. જેમાંથી એક ઘીનો નમૂનો ખાવા લાયક નહોતો. વિધાનસભામાં આ મુદ્દો ઉછળ્યો હતો અને મેં આ મુદ્દે દિલ્હીમાં વેચાતા દુધના નમૂના લઇ તેની ગુણવત્તાની ચકાસણી કરવા માટે કહ્યું હતુ. અમે કૂલ 177 નમૂનાઓ લીધા હતા. જેમાંથી 165 નમૂનાઓના રિપોર્ટ આવી ચૂક્યા છે. જેમાંથી અમૂલ, મધર ડેરી સહિત 21 નમૂનાઓ ગુણવત્તાની દ્રષ્ટિએ નાપાસ થયા છે. આનો મતલબ એવો નથી કે તે સલામત નથી.”

તેમણે કહ્યું કે, ગુણવત્તાના જે ધારાધોરણ નક્કી થયા છે તેનાથી નીચેનું ધોરણ આવે તો એના બે મતલબ થાય છે. એક તો, એ દૂધ સારુ નથી અને બીજુ કે, એ દૂધ ગુણવત્તાના જે ધોરણો આંકવામાં આવ્યા છે તેમાં નિષ્ફળ સાબિત થયું છે. કેટલાક તત્વોમાં તેની ગુણવત્તા ઓછી જોવા મળી છે. જે નમૂનાઓ ફેલ થયા છે તેમાં મોટાભાગે ભેળસેળ જોવામળી છે. દૂધનો પાવડર ભેળવેલો જોવા મળ્યો છે.

આ બાબતે મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું કે, “અમને હજુ સુંધી આ પરીક્ષણના રિપોર્ટ મળ્યાં નથી. એટલે આ મુદ્દે કંઇ કહેવું યોગ્ય નથી. પણ અમે એટલુ કહેવા માંગીએ છીએ કે, મધર ડેરીમાં અમે ગુણવત્તાનું ખૂબ ધ્યાન રાખીએ છીએ અને ગુણવત્તાની બાબતમાં અમે કોઇ બાંધછોડ કરતા નથી”

અમૂલનાં મેનેજીંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ કહ્યું કે, “હજુ આ વિશે વિગતો અને ઓફિસિયલ રિપોર્ટ અમને મળ્યા નથી. જે અહેવાલ મળ્યા છે એ મુજબ માપદંડમાં તફાવત છે નહીં કે હલકી ગુણવત્તા. એનો મતલબ થાય કે, ફેટ અથવા પ્રોટિનમાં તફાવત હોઇ શકે. અમૂલમાં અમે ખૂબ ઉંચુ ગુણવત્તા જાળવીએ છીએ. એટલે હલકી ગુણવત્તાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જો પરીક્ષણ કરતી વખતે તેની પ્રક્રિયામાં કાળજી લેવામાં ન આવે તો, નમૂનાના પરીક્ષણમાં તફાવત આવી શકે. અને આ અંગેના સંપૂર્ણ અહેવાલની રાહ જોઇએ છીએ અને એ પછી જ અમે અમારો પૂરો પ્રતિભાવ આપીશું.”
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Milk, Satyendra Jain, અમુલ દૂધ, દિલ્હી

આગામી સમાચાર